હેક્ટર દીઠ 22,000ની સહાય માટે આવતીકાલથી ખેડૂતો અરજી કરી શકશે

ગત 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે, એમાં 16500 ગામના ખેડૂતોને લાભ મળશે. જેનો સર્વે થયો નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે. હવે આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર(શુક્રવાર)ના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતો અરજી કરી શકશે. આ અરજી કરવા માટે VCE/VLE મદદરૂપ થશે.

રાજ્ય સરકારે 7 નવેમ્બરે 44 લાખ હેક્ટર જમીનમાં 100 ટકા નુકસાન ગણીને નિર્ણય કર્યો છે. 10 હજાર કરોડના આ પેકેજમાં 6429 કરોડ SDRF અને 3386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવ્યા છે. આમ, કુલ 9815 કરોડ થાય છે, જોકે જે ખેડૂતોનો સર્વે નથી થયો તે પણ અરજી કરી શકશે અને જો પાત્રતા હશે તો તેને પણ સહાય ચૂકવાશે, જેથી આ સહાય વધીને 10 હજાર કરોડ સુધી પહોંચી શકે છે.

કૃષિમંત્રી વાઘાણીએ જણાવ્યું કે, નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચુકવણા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાયે પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત બનાસકાંઠાના વાવ-થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તોને પણ પિયત-બિનપિયત સમાન ધોરણે 22 હજાર પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરી છે. આ પેકેજ 947 કરોડનું હતું અને તેમાં 12 નવેમ્બરના રોજ 190 કરોડનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે સમગ્ર રાજ્ય માટે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. આમ રાજ્યના ખેડૂતો પર આવી પડેલી આફતમાં 11 હજાર 137 કરોડનું રાહત સહાય પેકેજ આપવાનો જે સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે તે માટે પણ ખેડૂત સમાજ વતી આભાર વ્યક્ત કર્યો છે.

વરસાદથી થયેલા નુકસાનનો સર્વે-પંચ રોજકામ, મંત્રીઓની અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત અને કૃષિ વિભાગ, મહેસુલ વિભાગ, નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહિવટી પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એક અઠવાડિયામાં જ પૂરી કરી દેવાના કિસાન હિતકારી અભિગમને કૃષિ મંત્રીએ વધાવ્યો છે.

Leave a comment

Trending