માંગરોળમાંથી જમ્મુ-કાશ્મીરના 2 યુવકની શંકાસ્પદ ગતિવિધિના કારણે અટકાયત

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને સઘન દરોડા પાડી રહી છે. આ જ સંદર્ભમાં ગુજરાતભરમાં પણ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, જૂનાગઢ SOGને બાતમી મળતાં માંગરોળ શહેરમાં ખાનગી હોસ્પિટલ નજીકથી બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોની અટકાયત કરવામાં આવી છે અને તેને પૂછપરછ માટે જૂનાગઢ SOG ખાતે લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને કાશ્મીરી શખસો માંગરોળ તેમજ આસપાસની મદ્રેસાઓમાંથી ફાળો ઉઘરાવતા હતા. આ બંને શંકાસ્પદ યુવકો જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના રહેવાસી છે. એકની ઉંમર 27 વર્ષ અને બીજાની ઉંમર 20 વર્ષ છે. બંને કાશ્મીરી ભાઈઓ ટ્રેન મારફત માંગરોળ પહોંચ્યા હતા અને અહીં એક હોટેલમાં રોકાયા હતા.

SOG દ્વારા આ બંને શંકાસ્પદ યુવકોના ગુજરાતમાં આવવાના હેતુ, તેમની પ્રવૃત્તિઓ અને દિલ્હી બ્લાસ્ટ સાથે સંભવિત જોડાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરમાં પણ પોલીસે એલર્ટના ભાગરૂપે કાર્યવાહી કરી હતી. જ્યાં કાશ્મીરથી આવેલા ત્રણ શખસો એક મસ્જિદમાં રોકાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી હતી. જો કે, પ્રાથમિક પૂછપરછમાં તેમની પાસેથી કોઈ શંકાસ્પદ બાબત મળી આવી નથી, પરંતુ હાલની સુરક્ષાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે સતર્કતા દાખવી છે.

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતની સંવેદનશીલતા જોતાં રાજ્યભરની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કોઈપણ શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.

Leave a comment

Trending