પંજાબમાં આતંકવાદી મૉડ્યૂલનો ભાંડાફોડ, ISIના 10 એજન્ટને પોલીસે દબોચ્યા

પંજાબ પોલીસને આજે આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. લુધિયાણા કમિશનરેટ પોલીસે પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) દ્વારા સમર્થિત હોવાનું કહેવાતા ગ્રેનેડ-હુમલાના મૉડ્યૂલના 10 એજન્ટની ધરપકડ કરી છે.

ડીજીપી (DGP) પંજાબ પોલીસની X પોસ્ટ અનુસાર, ‘આ મૉડ્યૂલને પંજાબના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર ધરપકડ કરાયેલા આ 10 એજન્ટ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના સંપર્કમાં હતા અને ગ્રેનેડ લેવા તથા પહોંચાડવાના સંકલન માટે મલેશિયા સ્થિત ત્રણ ઓપરેટિવ્સ મારફતે વાતચીત કરતા હતા.’

આતંકવાદી મૉડ્યૂલને નિશાન બનાવીને દેશભરમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનોની શ્રેણીમાં આ તાજેતરની કાર્યવાહી છે. જોકે, હથિયારોની જપ્તી અને હેન્ડલર્સની ઓળખની સંપૂર્ણ વિગતો હજી જાહેર કરવાની બાકી છે, પરંતુ અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્ત માહિતી આધારિત આ રેડને કારણે એક સંભવિત જીવલેણ હુમલો નિષ્ફળ ગયો છે.

આ ઘટના દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર બ્લાસ્ટના ગણતરીના દિવસોમાં બની છે, જેમાં 13 લોકોના જીવ ગયા હતા.

Leave a comment

Trending