IPLની ટીમમાં મોટી ઊથલપાથલ થઈ

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ IPL ઇતિહાસના ત્રીજા સૌથી મોંઘા ખેલાડી વેંકટેશ અય્યરને રિલીઝ કર્યો છે. તો ટીમ સાથે 12 વર્ષથી જોડાયેલા આન્દ્રે રસેલને પણ રિલીઝ કરીને સૌને ચોંકાવ્યા છે. એટલે કે આ બંને ખેલાડીઓએ મિની ઓક્શનમાં ઉતરવું પડશે.

IPL કમિટીએ શનિવારે રીટેન, રિલીઝ અને ટ્રેડ લિસ્ટ જાહેર કરી. તેના મુજબ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ મથિશા પથિરાના, ડેવોન કોનવે અને રચિન રવીન્દ્રને રિલીઝ કર્યા છે. ટીમે કુલ 10 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તો KKRએ વેંકટેશ અય્યરને ગયા વર્ષે મેગા ઓક્શનમાં 23.75 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે આન્દ્રે રસેલ 12 કરોડમાં રીટેન થયો હતો. બીજી તરફ પંજાબે 5 પ્લેયર્સને રિલીઝ કર્યા, જેમાં ગ્લેન મેક્સવેલ અને જોશ ઇંગ્લિસ જેવા મોટા નામો છે.

IPLનું મિની ઓક્શન 16 ડિસેમ્બરે UAEના અબુ ધાબી શહેરમાં યોજાશે. આ પહેલાં 2025માં સાઉદી અરેબિયા અને 2024માં દુબઈમાં ઓક્શન થઈ ચૂક્યું છે.

બેટિંગ ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ મેગા ઓક્શનમાં 23.75 કરોડમાં ખરીદ્યો હતો. તે ઓક્શનનો ત્રીજો સૌથી મોંઘા પ્લેયર રહ્યો, પરંતુ ટુર્નામેન્ટમાં કંઈ ખાસ કરી શક્યો નહીં. તેણે 11 મેચમાં 139.22ના સ્ટ્રાઇક રેટથી માત્ર 142 રન બનાવ્યા. 2024ની ચેમ્પિયન કોલકાતા પણ પોઈન્ટ્સ ટેબલમાં આઠમા નંબર પર રહીને પ્લેઑફમાં જગ્યા બનાવી શકી નહીં.

વેંકટેશ ટૉપ ઓર્ડરમાં બેટિંગ કરે છે. તેના પર ટીમનો રન રેટ વધારવાની જવાબદારી રહેતી હતી. જોકે, ગયા સીઝનમાં તે પોતાના પ્રાઇસ ટેગને સાચો સાબિત ન કરી શક્યો. અંગક્રિશ રઘુવંશી અને કેપ્ટન અજિંક્ય રહાણેના કારણે ટીમ તેને પ્લેઇંગ-11માં ફિટ પણ કરી શકાતો નહોતો. આવી સ્થિતિમાં KKR તેને રિલીઝ કરીને કેમરૂન ગ્રીન જેવા ઓલરાઉન્ડરને ઓક્શનમાં ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને 12 કરોડમાં રીટેન કર્યો હતો. તે ગયા સીઝનમાં 13 મેચમાં માત્ર 167 રન જ બનાવી શક્યો. બોલિંગમાં પણ તે 8 વિકેટ જ લઈ શક્યો. રસેલ IPLમાં 175થી વધુના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરે છે અને જરૂર પડવા પર પોતાની ટીમને વિકેટ પણ અપાવે છે.

ગયા સીઝનમાં રસેલ વધારે પ્રભાવશાળી પરફોર્મન્સ આપી શક્યો નહીં. તે 37 વર્ષના પણ થઈ ચૂક્યો છે અને દુનિયાભરની લીગમાં પણ કંઈ ખાસ પ્રદર્શન કરી રહ્યો નથી. આઉટ ઑફ ફોર્મ હોવાને કારણે કોલકાતા રસેલને રિલીઝ કરીને 26 વર્ષના યુવા ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને ખરીદી શકે છે.

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને પંજાબ કિંગ્સે ગયા વર્ષે મેગા ઓક્શનમાં 4.2 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ, મેક્સવેલ ગયા સીઝનમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. તે 7 મેચમાં માત્ર 48 રન જ બનાવી શક્યો. તેનો બેસ્ટ સ્કોર 30 રન રહ્યો છે.

ખરાબ ફોર્મને કારણે મેક્સવેલને રિલીઝ કર્યો છે. ટીમ તેની જગ્યાએ મિની ઓક્શનમાં ડેવિડ મિલર અથવા આન્દ્રે રસેલને ટીમમાં સામેલ કરવા પર ધ્યાન આપી શકે છે.

ગુજરાત ટાઇટન્સે IPL 2026ની સીઝન માટે ખેલાડીઓની રીટેન્શન લિસ્ટ જાહેર કરી છે. જેમાં ટાઇટન્સે કેપ્ટન શુભમન ગિલ, રાશિદ ખાન, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, જોસ બટલર, મોહમ્મદ સિરાજ અને અન્ય ખેલાડીઓને જાળવી રાખ્યા છે.

સ્કવોડના રીટેન્શનના ભાગરૂપે, ફ્રેન્ચાઇઝીએ ગેરાલ્ડ કોએત્ઝી, કરીમ જનત, મહિપાલ લોમરોર, દાસુન શનાકા અને કુલવંત ખેજરોલિયાને રિલીઝ કર્યા છે. આ પહેલાં, શેરફેન રૂધરફોર્ડનો ટ્રેડ મુંબઈ ઈન્ડિયન્સમાં કર્યો હતો.

સવારે IPLએ ટ્રેડ લિસ્ટ જાહેર કરી હતી. તેના મુજબ રાજસ્થાન રોયલ્સે કેપ્ટન સંજુ સેમસનને 18 કરોડમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ટ્રેડ કર્યો. જ્યારે, CSKએ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને સેમ કરનને RRમાં મોકલ્યા હતા.

ઝડપી બોલર મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સાથે ટ્રેડ કર્યો છે. તો, મુંબઈ ઇન્ડિયન્સે અર્જુન તેંડુલકરને LSG સાથે 30 લાખમાં ટ્રેડ કર્યો છે. નીતિશ રાણા હૈદરાબાદથી દિલ્હી, ડનોવન ફરેરા દિલ્હીથી રાજસ્થાન અને મયંક માર્કન્ડે કોલકાતા નાઇટ રાઇડર્સથી મુંબઈમાં ટ્રેડ થયા છે.

Leave a comment

Trending