પાકિસ્તાની કનેકશન ધરાવતા દંપતિ સહિત ત્રણ મુખ્ય એજન્ટો ઝડપાયા

મ્યાંનમાર સહિતના દેશોમાં સારા પગારની લાલચ આપીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં બળજબરી પૂર્વક કામ કરાવતી ગેંગના ગુજરાતમાં  સક્રિય એજન્ટો પૈકી જુનાગઢમાં રહેતા એક દંપતિ અને આણંદમાંથી એક વ્યક્તિને ઝડપી લેવામાં સ્ટેટ સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે જુનાગઢમાં રહેતી મહિલા પાકિસ્તાની એજન્ટો સાથે સીધી રીતે કામ કરતી હતી અને તેણે દુબઇ, મ્યાંનમાર, મલેશિયા અને વિયેતનામ સહિતના દેશોમાં  અનેક યુવકોને મોકલીને ફસાવ્યા હતા. આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર વિશ્વમાં સાયબર ફ્રોડ આચરતી ચાઇનીઝ ગેંગ દ્વારા મ્યાંનમાર અને કમ્બોડિયા સહિતના દેશોમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલે છે. આ કોલ સેન્ટરમાં કામ કરવા માટે યુવાનો મેળવવા માટે ગેંગ દ્વારા જોબ પ્લેસમેન્ટના નામે મોટુ નેટવર્ક ચલાવવામાં આવે છે. સ્ટેટ સાયબર ક્રાઇમના  અધિકારીઓને બાતમી મળી હતી કે જુનાગઢ ઝાંઝરડા રોડ પર આવેલી અક્ષર ટાઉનશીપમાં રહેતી સોનલ ફળદુ અને તેનો પતિ સંજય તેમજ આણંદના બોરસદના કાવીઠા ગામમાં રહેતો શૈલેષ ડાભી નામના એજન્ટ ગુજરાતમાં મોટાપાયે સક્રિય છે. જેના આધારે ત્રણેયની અટકાયત કરીને સઘન પુછપરછ  કરતા ચોકાવનારા ખુલાસા થયા હતા.

આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમના પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે સોનલ ફળદુ અને તેનો પતિ તેમજ શૈલેષ ચાઇનીઝ ગેંગ માટે ગુજરાતના મુખ્ય એજન્ટ તરીકે કામ કરતા હતા. સોનલ જોબ પ્લેસમેન્ટમાં ડેટા એન્ટ્રી, ટાઇપીંગ અને અન્ય કામ માટે વિદેશમાં ૪૦ થી ૪૫ હજારની નોકરીની લાલચ આપીને યુવાનોને મ્યાંનમાર સહિતના દેશોમાં મોકલતી હતી. આ માટે તે પ્રતિ વ્યક્તિ વીઝા પ્રોસેસ અને પ્લેનની ટિકીટના નામે ૮૦ હજાર રૂપિયા લેતી હતી. આ ઉપરાંત, મુળ  પાકિસ્તાનના નાગરિક મિયાઝઅલી અને તન્વીર સાથે પણ કામ કરતી હતી. જ્યારે ગુજરાતથી કોઇ વ્યક્તિ વિદેશમાં પહોંચે ત્યારે મિયાઝઅલી અને તન્વીર તેને એરપોર્ટથી પીકઅપ કરીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં મોકલતા હતા. કોલ સેન્ટરના ંસંચાલક આ માટે તેમને એક થી બે હજાર ડોલર આપતા હતા. આ નાણાં પણ સોનલ ફળદુનો હિસ્સો રહેતો હતો. પોલીસે સોનલ અને અન્ય એજન્ટોના મોબાઇલ ફોન અને બેંક એકાઉન્ટની વિગતો તપાસતા અનેક વિગતો જાણવા મળી છે. 

સ્ટેટ સાયબર ક્રાઇમની તપાસમાં અત્યાર સુધીમાં પ્રથમવાર ગુજરાતી મહિલા એજન્ટ અને પાકિસ્તાની  એજન્ટની સીધી સંડોવણી બહાર આવી છે. ત્યારે આગામી સમયમાં આ કેસની તપાસમાં મોટા ખુલાસાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

ચાઇનીઝ ગેેંગ માત્ર મ્યાંનમાર કે કમ્બોડિયામાં જ નહી પણ દુબઇ,  વિયેતનામ, મલેશિયામાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવીને ભારત, અમેરિકા, ઇગ્લેન્ડ જેવા દેશોના નાગરિકોને છેતરવાનું નેટવર્ક સેટઅપ કર્યું હતું.  ગુજરાતના યુવાનોની ડીમાન્ડ સૌથી વધારે રહેતી હતી. જેથી સોનલે અત્યાર સુધીમાં  કુલ ૪૧ યુવકોને નોકરીના નામે  વિદેશ મોકલ્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જો કે આ આંક હજુ વધી શકે તેમ છે.

ભારતમાંથી જોબ પ્લેસમેન્ટના નામે ચાઇનીઝ ગેગના કોલ સેન્ટરમાં ફસાઇ જતા યુવકોને ગોંધી રાખીને તેમને શારિરીક અને માનસિક યાતના આપવામાં આવતી હતી. જો યુવક કોલ સેન્ટરમાં ટારગેટ મુજબ કામ ન કરે તો તેને સજા પણ થતી હતી. સાથેસાથે તેનો પાસપોર્ટ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવતા હતા. પરંતુ, જો યુવકને ભારત પરત આવવું હોય તો તેના પરિવાર પાસેથી છ હજાર ડોલરની ખંડણી માંગવામાં આવતી હતી. જે નાણાં જમા થયા બાદ જ યુવકને છોડવામાં આવતો હતો.

Leave a comment

Trending