કચ્છના દુર્ગમ ખડીર બેટના અંતરિયાળ વિસ્તારમાંથી દોઢ માસ પૂર્વે પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા હતા. આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે અજબ પ્રેમની ગજબ કહાની સમાન આ કિસ્સામાં એક જ જ્ઞાતિ અને નુકના પ્રેમી-પ્રેમિકા પોતાના દેશમાંથી ભાગીને ભારતમાં શરણ લેવા ઘુસી આવ્યા હતા. જેઓને આજે ભચાઉ કોર્ટમાં હાજર કરાયા છે.
પાસપોર્ટ નિયમના ભંગ બદલ બન્ને પાકિસ્તાની યુવક-યુવતી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બન્નેને ભચાઉ કોર્ટમાં લાવવામાં આવ્યા છે અને નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે.
તોતો અને મીના નામના પ્રેમી યુગલને ખડીર બેટના રતનપરના ગ્રામજનોએ પકડી પાડી પોલીસના હવાલે કર્યા હતા. જ્યાં પોલીસ નિવેદનમાં પોતે સગીર વયના હોવાનો દાવો કરાયો હતો. જોકે, પકડાયેલા બન્ને પાકિસ્તાનીઓ વય નિર્ધારિત કરવા ભુજ શહેરની જીકે જનરલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાઈ હતી. મેડિકલ રિપોર્ટ અનુસાર પાકિસ્તાની પ્રેમી પંખીડા પુખ્તવયના હોવાનું ખુલ્યું પામ્યું હતું. આજે આ પ્રેમી પંખીડાને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને કોર્ટ આદેશ બાદ જેલ હવાલે કરવામાં આવશે.
ખડીર પોલીસમાં કિશોર વયના હોવાની કેફિયત આપનાર પાકિસ્તાની યુગલની વય નિર્ધારિત કરવા ઘટનાના ત્રીજા દિવસે જિલ્લા મથક ભુજ શહેરની જીકે જનરલ હોસ્પિટલમાં પોલીસ જપ્તા હેઠળ મેડિકલ ટેસ્ટ માટે લવાયા હતા. બન્નેના બ્લડ સેમ્પલ સહિતના નમૂના મેળવી લેબ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં તોતો ઉર્ફે તારા રણમણ ચુડી 20 વર્ષની આસપાસ ઉંમર ધરાવતો હોવાનું અને મીના ઉર્ફે પૂજા કરસન ચુડી 18 થી 20 વર્ષની આયુની હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ રિપોર્ટના આધારે બન્ને સામે તપાસ હાથ ધરી ઝીણવટ ભરી પૂછપરછ શરૂ કરી હતી.
આ તપાસમાં બંને પ્રેમી ભીલ સમાજના અને એક જ નુકના હોવાનો ખુલાસો થયો હતો. બન્ને જણા પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામ કોટ તાલુકાના લસરી ગામના રહેવાસી છે. આ પ્રેમી પંખીડા પરિવારના લગ્ન વિરોધના પગલે 4 ઓક્ટોમ્બરની રાત્રિએ ઘરેથી ભાગી ગયા હતા.
બંન્ને જણા પગે ચાલીને ભારત સરહદ નજીક પહોંચ્યા હતા અને રાત્રિના અંધકારનો લાભ લઈ કાંટાળી તાર નિચેથી દેશની સરહદમાં ઘુસી આવ્યા હતા. અફાટ રણમાં ચાલી, વરસાદી પાણીના સહારે ત્રીજા દિવસે ખડીરની 800 મીટર પહાડી સર કરી રતનપર ગામના સીમ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં ભૂખના કારણે બીજા દિવસે તેઓ અશક્ત બની લાકડા કાપતા શ્રમિકોના ખાટલા ઉપર સુઈ ગયા હતા અને સ્થનિક લોકોના હાથે ચડી ગયા હતા. હાલ બન્નેને ખડીર પોલીસ દ્વારા ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં નામદાર કોર્ટના આદેશ બાદ નિર્ધારિત જેલ ખાતે મોકલવામાં આવશે.
આ અંગે તપાસનીશ ખડીર પીઆઇ એમ. એન. દવેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, હાલ કોર્ટ પ્રક્રિયા ચાલુમાં છે. જેમાં પાસપોર્ટ નિયમના ભંગ બદલ બન્ને પાકિસ્તાની યુવક-યુવતી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બન્નેને ભચાઉ કોર્ટમાં લાવવામાં આવ્યા છે અને નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. લાંબી પ્રક્રિયા હોય ચુકાદા માટે રાહ જોવી પડશે. વધુમાં પૂછતાં તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં જાહેર થયેલી વિગતો સિવાય વિશેષ માહિતી નથી, બન્નેના પરિજનો દ્વારા પણ કોઈ સંપર્ક કરવામાં આવ્યો હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી.
આ પ્રકારના બનાવમાં બે નિયમ મુજબ કામગીરી થતી હોવાનું જાણકારોએ જણાવ્યું છે. પ્રથમ કોઈ વ્યક્તિ ભૂલથી દેશની સીમામાં પહોંચી આવે ત્યારે ડિપ્લોમેટિક અથવા કોન્સ્યુલર એક્સેસની જોગવાઈ મુજબ દેશના સુરક્ષા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ ઈરાદાપૂર્વક ઘૂસણખોરી કરતા વ્યક્તિઓ માટે દેશના બંધારણ મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.
આજથી દોઢ મહિના પહેલા કચ્છમાં અજબ પ્રેમની ગજબ કહાની જેવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પાકિસ્તાનના થરપારકરના ઇસ્લામકોટના લસરી ગામનાં પ્રેમીપંખીડાં દરિયામાં ફેરવાયેલી રણ સરહદ પાર કરી ભારતમાં ઘૂસી અંદાજે 60 કિમી દૂર છેક રતનપરના સીમાડે આવેલા સાંગવારી માતા મંદિર નજીક સુધી પહોંચી ગયાં હતાં. ગ્રામજનોને આની ખબર પડતાં ખડીર પોલીસને જાણ કરી બન્નેને પોલીસ મથકે લઇ જઇ સુરક્ષા એજન્સીઓને પણ જાણ કરાઇ હતી.
જે તે સમયે ખડીર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મીર સમુદાયનો 16 વર્ષીય કિશોર અને 15 વર્ષીય કિશોરી વચ્ચે પ્રેમસંબંધ પરિવારને પસંદ ન હોવાથી ભાગી આવ્યાં. ચાર દિવસ અગાઉ રાત્રિના 12 વાગે તેઓ ઘરેથી બે લિટર પાણી અને થોડુંક જમવાનું લઈને નીકળ્યાં હતાં. તેઓ બીજા દિવસે ત્યાં રસ્તામાં આવતા એક ટાપુ પર રાત રોકાયાં હતાં, જ્યાં વરસાદી પાણી પી ને બીજા દિવસે સવારે ત્યાં રણનું પાણી પાર કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ પ્રેમી પંખીડાએ જે તે સમયે તેઓ સગીર હોવાનું જણાવ્યું હતું જોકે, મેડિકલ તપાસમાં આ બન્ને પુખ્તવયના હોવાનું ખુલ્યું હતું.
આ અંગે રતનપર ગામના સરપંચે દિવ્ય ભાસ્કર ડીજીટલને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આમ તો એક દિવસ પહેલા જ પ્રેમી યુગલની હાજરી આ વિસ્તારમાં જણાઈ આવી હતી. રતનપર ગામની સિમમાં આવેલા સાંગવારી માતાજીના મંદિર પાસેના જંગલ વિસ્તારમાં તેઓ જોવા મળ્યા હતા, પરંતુ તે સમયે સ્થાનિક લોકોને હાથ લાગ્યા ના હતા. આ દરમિયાન વહેલી સવારે મંદિર પાસેની બાવળની ઝાડીમાં લાકડા કાપતા શ્રમિકને છોકરો અને છોકરી પોતાના ખાટલામાં સુતેલા જોવા મળ્યા હતા. બાદમાં સૂર્યોદય થતા બન્ને સાથે વાત કરી પૂછપરછ કરતા કંઈક શંકાસ્પદ લાગ્યું હતું. તેથી શ્રમિકોએ મને જાણ કરી હતી. તેથી સવારના 9 વાગ્યાના અરસામાં હું અન્ય નાગરિકો સાથે સાંગવારી મંદિર પાસે પહોંચ્યો હતો અને યુગલ સાથે વાતચિત કરી હતી.






Leave a comment