ભચાઉ પોલીસે નકલી ભારતીય ચલણી નોટોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર લોકોને ‘એક લાખના ચાર લાખ’ આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હતા.
જાહેર કરાયેલી વિગતો મુજબ પીઆઇ એ.એ. જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે, જમનશા ભચલશા શેખ, નશીરશા અકબરશા શેખ અને યુનુસશા લતિફશા શેખ (રહે. કનૈયાબે, તા. ભુજ) નકલી નોટોના બંડલ સાથે ભુજથી મોગલધામ (કબરાઉ) તરફ આવી રહ્યા છે. તેઓ સફેદ સ્વીફ્ટ ગાડી (GJ 06 FC 0580) માં હતા.
આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેતરપિંડીના ગુનાને અંજામ આપે તે પહેલા જ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ભારતીય ચલણી નોટો જેવી દેખાતી ‘ભારતીય મનોરંજન બેંક’ અને ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા’ લખેલી નોટોના બંડલ મળી આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ૧૦૫ નકલી નોટોના બંડલ, 125 અસલી 500 રૂપિયાના દરની ચલણી નોટો (કુલ રૂ. 62,500), એક સ્વીફ્ટ ગાડી (કિંમત રૂ. 50,0000), એક ટ્રોલી બેગ (કિંમત રૂ. 1,000) અને પાંચ એન્ડ્રોઇડ મોબાઇલ (કિંમત રૂ. 80,000) જપ્ત કર્યા છે. કુલ રૂ. 6,43,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓમાં જમનશા ભચલશા શેખ (ઉં.વ. 25), નશીરશા અકબરશા શેખ (ઉં.વ. ૨૨) અને યુનુસશા લતિફશા શેખ (ઉં.વ. 19) નો સમાવેશ થાય છે. ત્રણેય કનૈયાબે, તા. ભુજના રહેવાસી છે. આરોપી જમનશા શેખનો ગુનાહિત ઇતિહાસ ભચાઉ અને અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. નશીરશા શેખ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં અને યુનુસશા શેખ વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર સાચી ચલણી નોટો બતાવીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને પછી ‘એક લાખના ચાર લાખ’ આપવાની લાલચ આપીને નકલી નોટોના બંડલ પધરાવીને છેતરપિંડી કરતા હતા.






Leave a comment