સાઉથ આફ્રિકાએ ગુવાહાટી ટેસ્ટમાં ભારતને 408 રનથી હરાવી દીધું છે. ટીમે ભારતને કોલકાતા ટેસ્ટમાં પણ 30 રનથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ 25 વર્ષ પછી ભારતને તેના ઘરમાં ક્લીન સ્વીપ કર્યું છે. આ પહેલાં વર્ષ 2000માં બે ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0થી હરાવ્યું હતું.
બરસાપારા સ્ટેડિયમમાં બુધવારે 549 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ભારતીય ટીમ 140 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.
ભારત તરફથી બીજી ઇનિંગ્સમાં રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 54 રન બનાવ્યા. સાઉથ આફ્રિકા તરફથી સાયમન હાર્મરે સૌથી વધુ 6 વિકેટ લીધી.
સાઉથ આફ્રિકાએ ચોથા દિવસે મંગળવારે પોતાની બીજી ઇનિંગ્સ 260/5ના સ્કોર પર ડિક્લેર કરી દીધી હતી. સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલી ઇનિંગ્સમાં 489 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની પહેલી ઇનિંગ્સ 201 રન પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતને ટેસ્ટ જીતવા માટે 549 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ઈન્ડિયન કોચ ગૌતમ ગંભીરે સાઉથ આફ્રિકા સામે ગુવાહાટી ટેસ્ટમાં હારની જવાબદારી લીધી છે. તેણે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમની હારની જવાબદારી સૌથી પહેલા તેના પર આવે છે.
ગંભીરે કહ્યું- કોઈ એક ખેલાડી કે કોઈ એક શોટને દોષ આપી શકાય નહીં. જવાબદારી બધાની છે અને શરૂઆત મારાથી થાય છે. મેં ક્યારેય કોઈ ખેલાડીને દોષ આપ્યો નથી અને આગળ પણ નહીં આપું.
ગંભીરને જ્યારે તેની ભવિષ્યની કોચિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું- મારા ભવિષ્યનો નિર્ણય BCCI કરશે. પરંતુ, એ ભૂલશો નહીં કે મેં જ તમને ઇંગ્લેન્ડમાં પરિણામો અપાવ્યા છે. હું જ ચેમ્પિયન ટ્રોફી જીતનાર કોચ હતો.
ભારતને ગુવાહાટી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે 408 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રનના હિસાબે આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હાર છે. આ સાથે ટીમ છેલ્લા 13 મહિનામાં બીજી વખત ક્લીન સ્વીપ પણ થઈ ગઈ છે.






Leave a comment