સરકારે સ્વીકાર્યું- દેશભરના એરપોર્ટ્સ પર સાયબર હુમલા થયા

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જારાપુ રામમોહન નાયડુએ સંસદમાં સ્વીકાર્યું કે તાજેતરમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (IGI) પર GPS સ્પૂફિંગ (ખોટા સિગ્નલ મળવા)ની ઘટના બની હતી.

સોમવારે શિયાળુ સત્રના પહેલા દિવસે તેમણે કહ્યું કે, દિલ્હી ઉપરાંત દેશના અન્ય એરપોર્ટ પર પણ GPS સ્પૂફિંગ અને GNSS સિગ્નલ સાથે ચેડાં કરવાની ઘટનાઓ બની હતી.

નાયડુએ કહ્યું કે વૈશ્વિક સ્તરે રેન્સમવેર-માલવેર હુમલાનો ખતરો વધ્યો છે. AAI તેના IT અને ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે એડવાન્સ સાયબર સિક્યોરિટી અપનાવી રહ્યું છે.

નાયડુએ રાજ્યસભા સાંસદ એસ. નિરંજન રેડ્ડીના સવાલનો સંસદમાં જવાબ આપ્યો. રેડ્ડીએ પૂછ્યું હતું કે, શું સરકારને IGI પર થયેલી GPS સ્પૂફિંગની જાણકારી છે? DGCA-AAIની આનાથી બચવા માટે શું તૈયારી છે?

દિલ્હી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના ઓટોમેટિક મેસેજ સ્વિચ સિસ્ટમ (AMSS)માં શુક્રવારે ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટ્સનું સંચાલન 12 કલાકથી વધુ સમય માટે પ્રભાવિત થયું હતું.

800થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મોડી ઉપડી અને 20 રદ કરવી પડી. સિસ્ટમમાં ખામી સવારે 9 વાગ્યે આવી હતી. રાત્રે લગભગ 9:30 વાગ્યે તે ઠીક થઈ હતી. જોકે, ગુરુવારે સાંજે પણ ફરિયાદો મળી હતી.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)એ શુક્રવારે સાંજે 8:45 વાગ્યે જણાવ્યું હતું કે AMSS સિસ્ટમ સક્રિય છે અને હવે બરાબર કામ કરી રહી છે. સિસ્ટમની ખામીને કારણે દિવસભર મુસાફરો એરપોર્ટ પર પરેશાન થતા રહ્યા હતા.

બોર્ડિંગ ગેટ પાસે લાંબી કતારો લાગી હતી. ફ્લાઇટ્સ પર નજર રાખતી વેબસાઇટ ફ્લાઇટરડાર24 (Flightradar24) અનુસાર, તમામ ફ્લાઇટ્સમાં સરેરાશ 50 મિનિટનો વિલંબ થયો હતો.

દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ્સ મોડી પડવાની અસર મુંબઈ, ભોપાલ, ચંડીગઢ, અમૃતસર સહિત દેશભરના અનેક એરપોર્ટ્સ પર પણ જોવા મળી હતી. દિલ્હીથી ત્યાં આવતી-જતી ફ્લાઇટ્સ પણ મોડી પડી હતી.

ઇન્ડિગો, એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, સ્પાઇસજેટ અને આકાસા એરલાઇન્સે દિવસભરની ફ્લાઇટ્સની માહિતી આપી હતી.

એટીસીના એક અધિકારીએ જણાવ્યું કે AMSS લાગુ થતા પહેલા એરલાઈન્સ પાસેથી ફ્લાઈટ પ્લાન મેન્યુઅલી મળતો હતો.

આ સિસ્ટમ આવ્યા પછી મેસેજિંગ દ્વારા ફ્લાઇટ પ્લાન મળવા લાગ્યા અને તે જ આધારે ATC દ્વારા ટેક-ઓફ અને લેન્ડિંગના નિર્ણયો લેવાયા. સિસ્ટમ ક્રેશ થયા પછી શુક્રવારે એરપોર્ટ પર મેન્યુઅલ કામ કરવું પડ્યું.

એરપોર્ટ અધિકારીઓએ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે AMSS સતત સુધરી રહ્યું છે પરંતુ મુસાફરો પોતાની એરલાઇન્સના સંપર્કમાં રહે જેથી ઉડાનની રીઅલ ટાઇમ માહિતી મળે.

AMSS (ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ) એ એર ટ્રાફિક કંટ્રોલ સર્વિસ સાથે જોડાયેલું કમ્પ્યુટર નેટવર્ક સિસ્ટમ છે. AMSS દ્વારા દરરોજ હજારો ટેક્સ્ટ-આધારિત મેસેજ પાઇલટ, ગ્રાઉન્ડ સ્ટાફ અને અન્ય એરપોર્ટ સુધી રીઅલ-ટાઇમમાં મોકલવામાં આવે છે.

એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એરપોર્ટ્સ પર હાજર સેન્ટ્રલ કંટ્રોલિંગ સિસ્ટમ હોય છે. તે હવાઈ જહાજોને જમીન પર, હવામાં અને આકાશના અલગ-અલગ ભાગોમાં નિર્દેશો જારી કરે છે. સરળ ભાષામાં કહીએ તો, તે ટ્રાફિક પોલીસ જેવું જ છે, પરંતુ ફક્ત હવાઈ જહાજો માટે.

Leave a comment

Trending