ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન!

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ ફરીથી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. છેલ્લે તેઓ ડિસેમ્બર 2021માં આવ્યા હતા. આ વખતે 4-5 ડિસેમ્બરના રોજ 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતિનની ગાઢ મિત્રતા જગજાહેર છે, પછી તે SCOની બેઠક હોય કે ફોન પર વાતચીત. યુક્રેન યુદ્ધ પછી પણ ભારતે રશિયાનો સાથ છોડ્યો નથી. આ મુલાકાતમાં સંરક્ષણ સોદાઓ, ખાસ કરીને નવી S-400 મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી સૌથી મોટો મુદ્દો છે.

એક સમયે રશિયા ભારતને હથિયારો પૂરો પાડનારો પ્રથમ ક્રમનો દેશ હતો અને આજે પણ ભારતની સશસ્ત્ર સેનાઓ પાસે 60-70 ટકા હથિયારો રશિયાના છે. જોકે SIPRI 2025ના અહેવાલ મુજબ 2020-2024ના ગાળામાં રશિયા પાસેથી થતી હથિયારોની આયાત ઘટીને 36 ટકા થઈ છે, કારણ કે ભારત હવે ફ્રાન્સ (રાફેલ), અમેરિકા (અપાચે હેલિકોપ્ટર) અને ઈઝરાયલ (ડ્રોન) જેવા અન્ય દેશો પાસેથી પણ ખરીદી કરી રહ્યું છે, છતાં પણ ભારતનો રશિયા સાથેનો જૂનો અને ગાઢ સંબંધ (India-Russia Relations) જળવાઈ રહ્યો છે.

હાલમાં બંને દેશો વચ્ચે સુખોઈ-30 MKI લડાયક વિમાન, ટી-90 ટેન્ક, મિગ-29નું આધુનિકીકરણ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સંયુક્ત ઉત્પાદન અને અમેઠીમાં AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જેવા મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

આ મુલાકાતનો સૌથી મહત્ત્વનો વિષય નવી S-400 એર ડિફેન્સ સિસ્ટમનો સોદો છે. ભારતે 2018માં 5.43 અબજ ડૉલરમાં 5 રેજિમેન્ટ માટે કરાર કર્યો હતો, જેમાંથી અત્યાર સુધીમાં 3 રેજિમેન્ટ (અંબાલા, જોધપુર અને સિરસામાં તૈનાત) મળી ચૂક્યા છે. બાકીના 2 રેજિમેન્ટ 2026ની શરૂઆતમાં અથવા મધ્યમાં આવશે. હવે રશિયા વધુ 2-3 વધારાની રેજિમેન્ટની નવી ઓફર કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ નવા સોદામાં 50 ટકા જેટલું ટેકનોલોજી ટ્રાન્સફર સામેલ છે. ભારતની કંપની ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) હવે 48N6 મિસાઈલનું ઉત્પાદન ભારતમાં જ કરશે.

મે 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન, પંજાબના આદમપુરમાં તૈનાત S-400 એર ડિફેન્સ સિસ્ટમએ 314 કિલોમીટર દૂર રહેલા પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું હતું. તેણે એકસાથે 300થી વધુ લક્ષ્યોને ટ્રેક કર્યા હતા અને કુલ 7 પાકિસ્તાની વિમાન તોડી પાડ્યા હતા. ભારતીય વાયુસેના તેને સુદર્શન ચક્ર કહે છે, જે પાકિસ્તાન અને ચીનની સરહદો પર ભારતનું સૌથી મજબૂત કવચ છે.

સંરક્ષણ સિવાય, બંને નેતાઓ ઊર્જા ક્ષેત્રે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલ અને LNGનો વધારો, ન્યૂક્લિયર પાવરમાં કુડનકુલમ પ્લાન્ટના નવા યુનિટ્સ, અવકાશમાં ગગનયાન માટે રશિયાની મદદ અને GLONASS નેવિગેશન સિસ્ટમ પર પણ વાતચીત કરશે. આ ઉપરાંત, બ્રહ્મોસ-2 હાઈપરસોનિક મિસાઈલના કામને ઝડપી બનાવવું અને 5મી પેઢીના ફાઈટર જેટ (Su-57) અંગેની રશિયાની નવી ઓફર પર ભારત વિચારણા કરશે.

ભારત રશિયાને છોડી શકે તેમ નથી, કારણ કે આપણા જૂના હથિયારોના સ્પેરપાર્ટ્સ ફક્ત રશિયા જ આપે છે. તેમની કિંમત ઓછી છે અને ભરોસો વધારે છે. અમેરિકા કે ફ્રાન્સ ભલે નવા સાધનો આપે, પણ જૂના સ્ટોકનો આધાર હજી 20-25 વર્ષ સુધી રશિયા જ રહેશે. પુતિનની આ મુલાકાત ભારતની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત કરશે, સ્વદેશી ઉત્પાદનને વેગ આપશે અને પાકિસ્તાન તથા ચીનને સ્પષ્ટ સંદેશ આપશે કે ભારત તેની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરશે નહીં.

Leave a comment

Trending