છેલ્લા બેથી ત્રણથી દિવસથી ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો સંકટમાં મૂકાઈ છે. જેના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. એવામાં સમગ્ર મામલે આજે ઇન્ડિગોના CEOએ પહેલી પ્રતિક્રિયા આપી છે.
પાયલટો માટે સરકારે જાહેર કરેલા નવા નિયમો લાગુ કરવામાં એર લાઇન કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં આજે જ ઇન્ડિગોએ 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે. ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સે વિનંતી કરતાં કહ્યું છે, કે ‘છેલ્લા થોડા દિવસથી કંપનીને કામકાજમાં સમસ્યા આવી રહી છે. જે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેના મુસાફરો કૃપા કરીને ઍરપોર્ટ પર ન જાય. આજે ફ્લાઇટ્સ સૌથી વધુ પ્રભાવિત થઈ કારણ કે આખી સિસ્ટમ રિબૂટ કરવામાં આવી છે. ઇન્ડિગોનું સંચાલન 10થી 15 ડિસેમ્બરની વચ્ચે સામાન્ય રીતે ચાલુ થઈ જશે. તમને થઈ રહેલી અસુવિધા માટે હું માફી માંગુ છું.’
સમગ્ર દેશમાં ઇન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ સરકાર હરકતમાં આવી છે. DGCAએ એરલાઇન્સ પાયલોટ માટે જાહેર કરેલો સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. ત્યારબાદ હવે ઇન્ડિગો વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. DGCAએ ઇન્ડિગો વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. તપાસ કમિટી 15 દિવસમાં DGCAને પોતાનો રિપોર્ટ સોંપશે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. તમામ ખામીઓની તપાસ કરવા માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં DGCAના સીનિયર અધિકારી સામેલ છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં મોડું થવું અને કેન્સલ થવાના કારણે થઈ રહેલી મુશ્કેલીઓની એક ઉચ્ચ-સ્તરીય તપાસ પણ શરુ કરી દેવાઈ છે. જવાબદારી નક્કી કરાશે અને ભવિષ્યમાં એવી મુશ્કેલીઓને રોકવા માટે મહત્ત્વના પગલા ભરવામાં આવશે. મુસાફરોની સુવિધા અને સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહેશે.’ વઘુમાં તેમણે કહ્યું કે, ‘સરકાર પરિસ્થિતિને સામાન્ય કરવા માટે તાત્કાલિક અને મોટા પગલાં ભરી રહી છે. ઉચ્ચ-સ્તરીય તપાસ થઈ રહી છે. 3 દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થવાની આશા છે. હવે જ્યારે નવા નિર્દેશ લાગુ કરી દેવાયા છે તો ફ્લાઇટ્સનું શેડ્યુલ કાલથી સ્થિર થવા લાગશે.’






Leave a comment