કોલેજ-યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આપઘાત રોકવા ફરજિયાત મેન્ટલ હેલ્થ પોલિસી માટે ની સરકારની ગાઈડલાઈન જાહેર

ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ગંભીર બની છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત દરેક સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત બનાવવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ વ્યવસ્થાને મજબૂત કરવાની સૂચના આપવામાં આવી છે.

સરકારના નિર્દેશ અનુસાર હવે કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રતિ 100 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો એક લાયક કાઉન્સેલર રાખવો પડશે. 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઉભી કરવી પડશે. પરીક્ષા, અભ્યાસક્રમમાં ફેરફાર અથવા શૈક્ષણિક દબાણના સમયગાળામાં વિદ્યાર્થીઓને સતત, ગુપ્ત અને સંવેદનશીલ માર્ગદર્શન મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈપણ વિદ્યાર્થીને શૈક્ષણિક પરફોર્મન્સના આધારે અલગ પાડવા, જાહેરમાં અપમાનિત કરવા કે અવાસ્તવિક અપેક્ષાઓ મૂકવા પર પ્રતિબંધ રહેશે. સરકારનું માનવું છે કે, આવી પ્રથાઓ વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધારતી હોવાથી તેને સંપૂર્ણપણે બંધ કરવી જરૂરી છે.

ગાઈડલાઈન મુજબ, તમામ સંસ્થાઓએ આત્મહત્યા નિવારણ માટે તાત્કાલિક રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવો પડશે. માનસિક સ્વાસ્થ્ય સેવાઓ, નજીકની હોસ્પિટલ અને હેલ્પલાઈન નંબર છાત્રાલય, વર્ગખંડ, કેમ્પસના સામાન્ય વિસ્તારો અને સંસ્થાની વેબસાઇટ પર સ્પષ્ટ રીતે દર્શાવવા ફરજિયાત રહેશે. સાથે જ, શિક્ષક તથા બિન-શિક્ષક સ્ટાફને વર્ષમાં ઓછામાં ઓછા બે વખત માનસિક પ્રાથમિક સારવાર, ચેતવણીના લક્ષણોની ઓળખ અને યોગ્ય રેફરલ પ્રક્રિયા અંગે તાલીમ આપવાની સૂચના છે.

સરકારે ખાસ કરીને SC, ST, OBC, EWS, LGBTQ+ સમુદાય, અપંગ, હાંસિયામાં ધકેલાયેલા અને અગાઉ આત્મહત્યાના પ્રયાસ કરનારા વિદ્યાર્થીઓ માટે સંવેદનશીલ અને ભેદભાવ રહિત વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો છે. રેગિંગ, ગુંડાગીરી, જાતીય સતામણી કે ભેદભાવ અંગે ગુપ્ત ફરિયાદ વ્યવસ્થા ઉભી કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, માતા-પિતા માટે જાગૃતિ કાર્યક્રમો, કારકિર્દી પરામર્શ સેવાઓ અને NSS, ખેલ મહાકુંભ, સપ્તધારા જેવી અભ્યાસેતર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું કહેવામાં આવ્યું છે. છાત્રાલયોમાં સલામતી વધારવા માટે ચેડા-પ્રતિરોધક પંખા, બાલ્કની અને જોખમી વિસ્તારોમાં નિયંત્રણ જેવા નિવારક પગલાં અમલમાં મૂકવાના રહેશે.

શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, તમામ સંસ્થાઓએ આ માર્ગદર્શિકાનો કડક અમલ કરવો પડશે. માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કામગીરી અંગે વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવો ફરજિયાત રહેશે. સરકારના આ નિર્ણયને વિદ્યાર્થીઓના જીવન બચાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના આંકડાઓ મુજબ, ગુજરાતમાં 2017થી 2021 દરમિયાન કુલ 3,002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેનો સરેરાશ અર્થ એ થાય છે કે રાજ્યમાં દરરોજ અંદાજે 1થી 2 વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવે છે. વર્ષવાર વિશ્લેષણ જોઈએ તો, 2017માં 638, 2018માં 570, 2019માં 575, 2020માં 597 અને 2021માં 622 કેસ નોંધાયા હતા.

એપ્રિલ, 2020થી માર્ચ, 2023ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં 495 સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જેમાં 246 છોકરીઓનો સમાવેશ થાય છે. આ જ ગાળામાં આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસોની સંખ્યા 6,879 જેટલી રહી છે, જે યુવા પેઢીમાં વ્યાપેલા માનસિક તણાવની ગંભીરતા દર્શાવે છે. ખાસ કરીને 2022માં પરીક્ષામાં નાપાસ થવાને કારણે 155 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો, જે માટે પરીક્ષાનું દબાણ, પારિવારિક સમસ્યાઓ અને આર્થિક મુશ્કેલીઓ મુખ્ય કારણો જવાબદાર હોય શકે છે.

Leave a comment

Trending