આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાની કિંમત 5 ટ્રિલિયન ડોલર (₹450 લાખ કરોડ) ને પાર કરી ગઈ છે. આ આંકડો દેશની કુલ GDP (4.1 ટ્રિલિયન ડોલર) કરતા પણ વધુ છે.
મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ અનુસાર ભારતીય ઘરોમાં લગભગ 34,600 ટન સોનું જમા છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4,500 ડોલર પ્રતિ ઔંસ (₹1,42,700 પ્રતિ 10 ગ્રામ) ને પાર ટ્રેડ કરી રહ્યું છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર, ભારતની GDP હાલમાં લગભગ 4.1 ટ્રિલિયન ડોલર (લગભગ ₹370 લાખ કરોડ) છે. એટલે કે જો ભારતના ઘરોમાં રાખેલા સોનાની કુલ કિંમત જોવામાં આવે તો તે દેશની સંપૂર્ણ અર્થવ્યવસ્થા કરતા પણ વધુ છે.
ઇન્ફોમેરિક્સ વેલ્યુએશન એન્ડ રેટિંગ્સના ચીફ ઇકોનોમિસ્ટ ડો. મનોરંજન શર્મા અનુસાર આ સરખામણી ઘણી રસપ્રદ છે. તેમણે કહ્યું, ‘GDP એક ફ્લો વેરીએબલ એટલે કે સતત બદલાતું રહે છે જ્યારે ગોલ્ડ હોલ્ડિંગ એક સ્ટોક છે.
આ આંકડો ભારતના અર્થતંત્રમાં સોનાના સાંસ્કૃતિક, નાણાકીય અને મનોવૈજ્ઞાનિક મહત્વને દર્શાવે છે. યુદ્ધ, આર્થિક સંકટ કે મોંઘવારીના સમયે ભારતીયોનો ભરોસો સૌથી વધુ સોના અને અમેરિકી ડોલર પર જ રહે છે.’
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ સંપત્તિની કિંમત વધે છે, ત્યારે લોકો પોતાને ધનવાન અનુભવે છે અને વધુ ખર્ચ કરે છે. તેને વેલ્થ ઇફેક્ટ એટલે કે ધનનો પ્રભાવ કહેવાય છે. જોકે, એમકે ગ્લોબલનો એક રિપોર્ટ તેનાથી વિપરીત દાવો કરે છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં 75-80% સોનું જ્વેલરીના રૂપમાં છે. લોકો તેને લાંબા ગાળાની બચત અને પરંપરા તરીકે જુએ છે. કારણ કે લોકો તેને વેચતા નથી, તેથી કિંમતો વધવાથી તેમના ખર્ચ કે ખરીદી પર કોઈ ખાસ અસર થતી નથી.
ભારત દુનિયામાં સોનાનો બીજો સૌથી મોટો ખરીદદાર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના ડેટા અનુસાર:
- વિશ્વભરની કુલ માગમાં ભારતનો હિસ્સો 26% છે.
- ચીન 28% સાથે પ્રથમ સ્થાને છે.
- જૂન 2025 સુધીના આંકડા મુજબ, ભારતમાં સિક્કા અને બાર (છૂટક ખરીદી)ની માગ પણ વધી છે, જે 23.9% થી વધીને 32% થઈ ગઈ છે.
માત્ર સામાન્ય લોકો જ નહીં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પણ પોતાનો ગોલ્ડ સ્ટોક સતત વધારી રહ્યું છે. 2024 થી અત્યાર સુધી RBI એ પોતાના રિઝર્વમાં 75 ટન સોનું ઉમેર્યું છે. હવે ભારતનો કુલ સરકારી ગોલ્ડ રિઝર્વ 880 ટન થઈ ગયો છે. આ ભારતનાં કુલ વિદેશી મુદ્રા ભંડારનો લગભગ 14% હિસ્સો છે.






Leave a comment