RSSના વખાણ માટે દિગ્વિજય સિંહ પર રાહુલ ગાંધીનો કટાક્ષ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને RSS અને ભાજપની પ્રશંસા કરવા બદલ કટાક્ષ કર્યો. દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય ‘ઇન્દિરા ભવન’માં પાર્ટીના સ્થાપના દિવસ કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓ આમનેસામને આવ્યા.

NDTVના અહેવાલ મુજબ, દિગ્વિજય સિંહ સાથે હાથ મિલાવતી વખતે રાહુલ ગાંધીએ તેમને મજાકીયા અંદાજમાં કહ્યું, ‘કાલે તમે અયોગ્ય વર્તન કર્યું.’ આ સાંભળીને આસપાસ હાજર નેતાઓ હસી પડ્યા. ત્યાં સોનિયા ગાંધી પણ હાજર હતા. તેઓ પણ હસવા લાગ્યા. પછી રાહુલ અને દિગ્વિજય વચ્ચે થોડીવાર વાતચીત થઈ.

ખરેખરમાં, દિગ્વિજય સિંહે 27 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જૂની તસવીર શેર કરીને RSS અને BJPના સંગઠનાત્મક માળખાની પ્રશંસા કરી હતી. તસવીરમાં નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી દેખાઈ રહ્યા છે.

પોતાની પોસ્ટમાં દિગ્વિજય સિંહે લખ્યું હતું- આ ખૂબ જ પ્રભાવશાળી તસવીર છે. કેવી રીતે RSSનો જમીની સ્વયંસેવક અને ભાજપનો કાર્યકર્તા નેતાઓના ચરણોમાં ફ્લોર પર બેસીને પ્રદેશનો મુખ્યમંત્રી અને દેશનો વડાપ્રધાન બન્યો. આ સંગઠનની તાકાત દર્શાવે છે.

દિગ્વિજય સિંહની પોસ્ટ બાદ પાર્ટીની અંદર તેમની ટીકા થવા લાગી. બીજી તરફ, કોંગ્રેસ સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધિત કરતા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિગ્વિજયનું નામ લીધા વિના કહ્યું કે- કોંગ્રેસે ક્યારેય બંધારણ, બિનસાંપ્રદાયિકતા અને ગરીબોના અધિકારો સાથે સમાધાન કર્યું નથી.

ખડગેએ એમ પણ કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ધર્મના નામે વોટ માંગ્યા નથી અને ન તો મંદિર-મસ્જિદના નામે નફરત ફેલાવી છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ દિગ્વિજયના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કોંગ્રેસને ગોડસેની વિચારધારા સાથે જોડાયેલા સંગઠન પાસેથી કંઈ શીખવાની જરૂર નથી.

કોંગ્રેસ સાંસદ મણિક્કમ ટાગોરે કહ્યું કે- RSS નફરતના આધારે બનેલું એક સંગઠન છે અને તે નફરત ફેલાવે છે. નફરતમાંથી કંઈ શીખવા મળતું નથી. શું તમે અલ-કાયદા પાસેથી કંઈ શીખી શકો છો? અલ-કાયદા નફરત ફેલાવતું સંગઠન છે. તે સંગઠન પાસેથી શું શીખી શકાય?

આ તરફ, વિવાદ વધ્યા બાદ દિગ્વિજય સિંહે પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે તેમણે ફક્ત સંગઠનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું- હું સંગઠનનું સમર્થન કરું છું. હું RSS, PM મોદી અને તેમની નીતિઓની વિરુદ્ધ છું

ANI સાથેની વાતચીતમાં દિગ્વિજય સિંહે કહ્યું- વિચારધારાને લઈને કોઈ મતભેદ નથી. અમે બધા કોંગ્રેસમાં એકજૂટ છીએ. નેહરુ-ગાંધી પરિવાર એવો પરિવાર છે, જેમાં બે લોકોએ શહાદત આપી છે. ભાજપ નેહરુ-ગાંધી પરિવારની અંદર મતભેદ ઊભા કરવાનો પ્રયાસ કરી રહી છે.

Leave a comment

Trending