અરવલ્લી પર્વતમાળાના વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે પોતાના જ આદેશ પર સ્ટે આપ્યો

અરવલ્લી પર્વતમાળાને લગતા વિવાદ વચ્ચે, સુપ્રીમ કોર્ટે પોતાના જ આદેશ પર સ્ટે આપ્યો છે. આગામી સુનાવણી 21 જાન્યુઆરી, 2026ના રોજ થશે. ત્યાં સુધી ખાણકામ પર પ્રતિબંધ રહેશે. કોર્ટે એક્સપર્ટ્સ કમિટી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે.આ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવશે.આ કમિટી હાલની એક્સપર્ટ્સ કમિટીના અહેવાલનું વિશ્લેષણ કરશે અને પછી સંબંધિત મુદ્દાઓ પર કોર્ટને ભલામણ કરશે.

કોર્ટે કેન્દ્ર અને ચાર અરવલ્લી રાજ્યો (રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને હરિયાણા)ને પણ નોટિસ ફટકારી છે જેમાં આ મુદ્દા પરના તેના સુઓ મોટો કેસમાં તેમનો જવાબ માંગવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે આજે (સોમવારે) અરવલ્લી પર્વતમાળાના વિવાદ પર સુનાવણી કરી. જસ્ટિસ સૂર્યકાન્તે આદેશ આપ્યો છે કે નિષ્ણાત સમિતિની ભલામણો અને તેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી વધુ ટિપ્પણીઓ હાલ પૂરતું સ્થગિત (abeyance) રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ભલામણો આગામી સુનાવણી સુધી લાગુ કરવામાં આવશે નહીં.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં કોર્ટના આદેશો, સરકારની ભૂમિકા અને સમગ્ર પ્રક્રિયા અંગે ઘણી ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે. આ ગેરસમજો દૂર કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ પોતાનો અહેવાલ રજૂ કર્યો, જેને કોર્ટે સ્વીકાર્યો હતો.

CJI સૂર્યકાંતે કહ્યું કે કોર્ટને એવું પણ લાગ્યું કે એક્સપર્ટ્સ કમિટીના અહેવાલ અને તેના આધારે કોર્ટ દ્વારા કરવામાં આવેલા કેટલાક અવલોકનોનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.

CJIએ સંકેત આપ્યો કે આ ગેરસમજોને દૂર કરવા માટે સ્પષ્ટતાની જરૂર પડી શકે છે જેથી કોર્ટના ઇરાદા અને તારણો વિશે કોઈ મૂંઝવણ ન રહે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એક્સપર્ટ્સ કમિટીના અહેવાલ અથવા કોર્ટના નિર્ણયને લાગુ કરતા પહેલા, નિષ્પક્ષ અને સ્વતંત્ર મૂલ્યાંકન જરૂરી છે જેથી ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પર સ્પષ્ટ દિશા મળી શકે.

CJI એ કહ્યું કે કોર્ટ આ જાણવા માંગે છે-

  • શું અરવલ્લીની વ્યાખ્યાને ફક્ત 500 મીટરના દાયરા સુધી સીમિત કરવાથી સંરક્ષણ ક્ષેત્ર સંકોચાઈ જાય છે અને તેનાથી એક પ્રકારનો માળખાકીય વિરોધાભાસ (structural paradox) ઊભો થાય છે?
  • શું આ વ્યાખ્યાને કારણે નોન-અરવલ્લી વિસ્તારોમાં નિયંત્રિત ખાણકામનો વ્યાપ વધી ગયો છે?
  • જો બે અરવલ્લી ક્ષેત્રો 100 મીટર કે તેથી વધુના હોય અને તેમની વચ્ચે 700 મીટરનો અંતર (ગેપ) હોય, તો શું તે ગેપમાં નિયંત્રિત ખાણકામની મંજૂરી આપી શકાય?
  • આ સમગ્ર પ્રક્રિયામાં પારિસ્થિતિક સાતત્યતા (ecological continuity) ને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવશે?
  • જો નિયમોમાં કોઈ મોટો નિયમનકારી શૂન્યતા (regulatory lacuna) સામે આવે, તો શું અરવલ્લી પર્વતમાળાની માળખાકીય મજબૂતી જાળવી રાખવા માટે એક વ્યાપક મૂલ્યાંકન જરૂરી બનશે?

CJI એ કહ્યું કે કોર્ટે પહેલાથી જ સંકેત આપ્યો છે કે આ પ્રશ્નો પર ઊંડાણપૂર્વક વિચારણા જરૂરી છે. આને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે નિષ્ણાતોની એક ઉચ્ચ સત્તાવાળી સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સમિતિ હાલની નિષ્ણાત સમિતિના અહેવાલનું વિશ્લેષણ કરે અને આ મુદ્દાઓ પર સ્પષ્ટ સૂચનો આપે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતની વેકેશન બેન્ચમાં કેસની સુનાવણી ચાલી રહી છે. જમીનથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈવાળી ટેકરીઓને જ અરવલ્લી માનવાની નવી વ્યાખ્યાનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો કર્યો છે. CJIના વેકેશન કોર્ટમાં આ મામલો પાંચમા નંબરે લિસ્ટેડ હતો.

સુપ્રીમ કોર્ટ આજે અરવલ્લી પર્વતોમાં ખાણકામ સંબંધિત સુઓમોટો કેસની સુનાવણી કરી. CJIની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરી.

Leave a comment

Trending