ગુજરાત રાજ્યની તમામ જિલ્લા અદાલતો-કોર્ટમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાના ગુજરાત હાઇકોર્ટના ફરમાન પર હાલપૂરતી રોક લગાવી દેવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલની સૂચના અનુસાર, તમામ જિલ્લા અદાલતોમાં પિટિશન, અપીલ અને અન્ય કાયદાકીય દસ્તાવેજો માટે એ-4 સાઈઝના પેપરના ફરજિયાત અમલીકરણને 31 જાન્યુઆરી, 2026 સુધી મુલતવી રાખવામાં આવ્યું છે.
રાજ્યમાં હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને સંબંધિત કોર્ટમાં તમામ પિટિશન, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર અને જજમેન્ટ વગેરે એ-4 સાઇઝના પેપરનો ઉપયોગ કરવા મામલે કોર્ટે દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, તમામ કોર્ટમાં A4 સાઇઝ કાગળના ઉપયોગવાળા પરિપત્રને મોકૂફ રાખવામાં આવ્યો છે. જેને લઈને રજિસ્ટ્રાર જનરલે કહ્યું કે, ’31 જાન્યુઆરી, 2026 સુધી જૂની પદ્ધતિ મુજબ ફાઈલિંગ થઈ શકશે.’
તમને જણાવી દઈએ કે, હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં ચોક્કસ સાઇઝના એ-4 પેપરના ઉપયોગની સાથે-સાથે તેની ક્વોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ઉલ્લેખ કરાયો હતો. જેનો તમામ જિલ્લા અદાલતોમાં 1 જાન્યુઆરી, 2026થી અમલવારી કરવાની હોવાનું જણાવ્યું હતું. પરંતુ હવે આ નિર્ણયને કોર્ટે મુલતવી રાખ્યો છે.






Leave a comment