રિલાયન્સના Q3 પરિણામો 16 જાન્યુઆરીએ આવશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ તેના ત્રીજા ક્વાર્ટર (Q3) ના પરિણામોની તારીખ જાહેર કરી છે. કંપનીના બોર્ડ મેમ્બર્સ 16 જાન્યુઆરીએ યોજાનારી બેઠકમાં 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની સમીક્ષા કરશે અને તેને મંજૂરી આપશે.

એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, બોર્ડ મીટિંગ પછી એક એનાલિસ્ટ મીટ પણ યોજવામાં આવશે, જેમાં ચાલુ નાણાકીય વર્ષના નવ મહિનાના પ્રદર્શન પર ચર્ચા થશે.

પરિણામોની તારીખ એવા સમયે આવી છે જ્યારે રિલાયન્સના શેરોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે NSE પર શેર 2% થી વધુ ઘટીને ₹1,470.70 પર બંધ થયો.

આ છેલ્લા 8 સત્રોમાં સતત ચોથો ઘટાડો છે, જેમાં શેર લગભગ 8% સુધી તૂટી ગયો છે. કંપનીનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ ઘટ્યું છે. તે 19.89 લાખ કરોડ પર આવી ગયું છે.

આ અઠવાડિયે મંગળવારે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયન ક્રૂડ ઓઇલથી ભરેલા ત્રણ જહાજ રિલાયન્સની જામનગર રિફાઇનરી તરફ જઈ રહ્યા છે.

આ સમાચાર બાદ રિલાયન્સના શેરોમાં ઇન્ટ્રાડે 5% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો. જોકે, રિલાયન્સે આ રિપોર્ટને સંપૂર્ણપણે ખોટો અને તથ્યહીન ગણાવીને નકારી કાઢ્યો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 18,165 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો (કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ) થયો. આ 2024-25ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર કરતાં 10% વધુ છે. ગયા વર્ષે કંપનીને 16,563 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

જ્યારે રિલાયન્સે પ્રોડક્ટ અને સર્વિસમાંથી 2.59 લાખ કરોડ રૂપિયાની આવક એટલે કે રેવન્યુ જનરેટ કરી હતી. વાર્ષિક ધોરણે તેમાં 10%નો વધારો થયો છે. એક વર્ષ પહેલા એટલે કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર 2024માં કંપનીએ 2.35 લાખ કરોડ રૂપિયાની આવક જનરેટ કરી હતી.

એનાલિસ્ટ્સનું માનવું છે કે 16 જાન્યુઆરીએ આવનારા પરિણામો રિલાયન્સના શેરની ભવિષ્યની દિશા નક્કી કરશે. રોકાણકારોની નજર ખાસ કરીને કંપનીના ટેલિકોમ (Jio) અને રિટેલ બિઝનેસના માર્જિન પર રહેશે. સાથે જ જામનગર રિફાઇનરીના માર્જિન પણ મહત્વપૂર્ણ રહેશે.

Leave a comment

Trending