7 મહિના બાદ લાલુ યાદવને મળ્યા તેજ પ્રતાપ

રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને પરિવારથી લાંબા સમય સુધી દૂર રહ્યા બાદ, જનશક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નીતીશ સરકારના પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવે દિલ્હીમાં પિતા લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરી છે. અનુષ્કા યાદવ વિવાદ બાદ પિતા-પુત્ર વચ્ચે લગભગ સાત મહિના પછી આ મુલાકાત થઈ છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં શુક્રવારે ‘લેન્ડ ફોર જોબ’ કેસમાં આરોપ ઘડવા અંગે સુનાવણી હતી. આ કેસમાં આરોપી તરીકે તેજ પ્રતાપ યાદવ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેજ પ્રતાપ સીધા તેમની બહેન મીસા ભારતીના નિવાસ્થાને પહોંચ્યા હતા, જ્યાં હાલ લાલુ પ્રસાદ યાદવ રોકાયા છે.

પિતા લાલુ પ્રસાદને મળીને બહાર નીકળ્યા બાદ તેજ પ્રતાપે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ‘મેં પિતાજીના આશીર્વાદ લીધા છે અને તેમને 14 જાન્યુઆરીએ પટનામાં મારા નિવાસસ્થાને આયોજિત મકર સંક્રાંતિના દહીં-ચૂડા ભોજન માટે આમંત્રણ આપ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે તેઓ મારા ભોજન સમારંભમાં જરૂર આવશે.’ નોંધનીય છે કે આ ભોજન સમારંભમાં તેજ પ્રતાપે NDAના અનેક નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે.

રસપ્રદ વાત એ છે કે, કોર્ટમાં તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ સામસામે આવ્યા હતા, પરંતુ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. જ્યારે તેજ પ્રતાપ પિતાને મળવા મીસા ભારતીના ઘરે પહોંચ્યા ત્યારે તેજસ્વી યાદવ ત્યાં હાજર નહોતા. અગાઉ 1 જાન્યુઆરીએ તેજ પ્રતાપે પટનામાં માતા રાબડી દેવીના આશીર્વાદ પણ લીધા હતા, જે દર્શાવે છે કે તેઓ નવા વર્ષમાં પરિવાર સાથેના સંબંધો સુધારવા પ્રયત્નો કરી રહ્યા છે.

લેન્ડ ફોર જોબ (જમીનના બદલામાં નોકરી) કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના વડા અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ મામલે લાલુ યાદવ સહિત 40થી વધુ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ(આરોપ નક્કી) કર્યા છે. કોર્ટે પોતાના આદેશમાં અત્યંત કડક શબ્દોનો પ્રયોગ કરતાં જણાવ્યું કે, લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. આ પુરાવાઓ દર્શાવે છે કે સરકારી પદોની વહેંચણી કરવા માટે તેમણે એક ‘ક્રિમિનલ એન્ટરપ્રાઇઝ'(ગુનાહિત સાહસ)ની જેમ કામ કર્યું હતું.

કોર્ટે લાલુ પરિવારની કેસમાંથી મુક્ત થવાની અરજીને ફગાવી દેતા કહ્યું કે, આ મામલામાં પદનો દુરુપયોગ અને ષડયંત્ર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. બીજી તરફ સીબીઆઈ દ્વારા આ કેસમાં અભિયુક્ત બનાવાયેલા તેજ પ્રતાપે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, તેઓ કાયદાકીય લડત ચાલુ રાખશે.

Leave a comment

Trending