ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે (9 જાન્યુઆરી) પ્રેસ બ્રીફિંગને સંબોધતા બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર પર ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, બાંગ્લાદેશ સરકાર લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાના કેસમાં તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ. બાંગ્લાદેશમાં લઘુમતીઓમાં ભય અને અસુરક્ષાની ભાવના વધી રહી છે. સાંપ્રદાયિક ઘટનાઓને રોકવી તે ત્યાંના તંત્રની જવાબદારી છે.
રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘અમે લઘુમતીઓ તેમજ તેમના ઘરો અને વ્યવસાયો પર ઉગ્રવાદીઓ દ્વારા વારંવાર હુમલાઓ પર સતત નજર રાખી રહ્યા છીએ. આ એક ચિંતાજનક વલણ છે. આવી સાંપ્રદાયિક ઘટનાઓનો તાત્કાલિક અને મજબૂત રીતે ઉકેલ લાવવો જરૂરી છે. આવી ઘટનાઓને વ્યક્તિગત દુશ્મનાવટ, રાજકીય મતભેદો અથવા બાહ્ય પરિબળોને જવાબદાર ઠેરવવાની વૃત્તિ ચિંતાજનક છે. આવી અજ્ઞાનતા ગુનેગારોને વધુ હિંમત આપે છે અને લઘુમતીઓમાં ભય અને અસુરક્ષાની ભાવનાને વધારે છે.’
બીજી તરફ રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મામલે અમેરિકામાં આવેલા નવા બિલનો ભારતે વિરોધ કર્યો છે. અમેરિકા તે દેશો પર 500 ટકા સુધી દંડ લગાવવાની તૈયારી કરી રહ્યું છે જેઓ રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે. જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે, ભારતની ઉર્જા નીતિ કોઈ દબાણમાં નહીં બદલાય. વિદેશ મંત્રાલયે યુએસ કોંગ્રેસમાં રશિયન તેલની ખરીદી પર 500 ટકા ટેરિફ લાદવાના બિલ પર કહ્યું કે, ‘અમે પ્રસ્તાવિત બિલથી વાકેફ છીએ. અમે ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. ઉર્જા સ્ત્રોતોના વ્યાપક મુદ્દા પર અમારું વલણ સૌ જાણે છે. આ પ્રયાસમાં અમે બદલાતી વૈશ્વિક બજાર પરિસ્થિતિઓ અને 1.4 અબજ લોકોની ઉર્જા સુરક્ષા જરૂરિયાતો બંનેથી વાકેફ છીએ, ખાતરી કરીએ છીએ કે આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ સ્ત્રોતોમાંથી સસ્તું ઉર્જા ઉપલબ્ધ છે.’
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં શકસગામ ખીણમાં ચીન દ્વારા થઈ રહેલા નિર્માણકાર્ય સામે પણ ભારતે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે આ સંપૂર્ણ વિસ્તાર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાન અને ચીન વચ્ચે 1963માં થયેલો કરાર ગેરકાયદે છે. ભારતે ક્યારેય આ કરારને માન્યતા નથી આપી. જમ્મુ કાશ્મીર અને લદાખ ભારતનો હિસ્સો છે. ચીન અને પાકિસ્તાનને આ વાતથી વારંવાર જણાવવામાં આવી છે. ભારતની જમીન પર પાકિસ્તાન ગેરકાયદે કબજો કર્યો છે અને ત્યાં કોઈ પણ પ્રકારનો વિદેશ હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી.
તાઇવાન નજીક ચીનના લશ્કરી કવાયતો અંગે જયસ્વાલે કહ્યું કે, ‘ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ઘટનાક્રમો પર ઊંડાણપૂર્વક નજર રાખી રહ્યા છીએ. ભારતને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં રસ છે, કારણ કે અમારા વેપાર, આર્થિક અને દરિયાઈ હિતો મહત્ત્વપૂર્ણ છે. ભારત તમામ સંબંધિત પક્ષોને સંયમ રાખવા, એકપક્ષીય કાર્યવાહી ટાળવા અને બળ કે ધાકધમકીનો ઉપયોગ કર્યા વિના શાંતિપૂર્ણ રીતે તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવા વિનંતી કરે છે.’
અમેરિકાએ હાલમાં જ રશિયાનું એક જહાજ સીઝ કર્યું છે. જેના પર 3 ભારતીયો પણ સવાર હોવાના અહેવાલ અંગે વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે, કે અમે સતત નજર રાખી રહ્યા છે.






Leave a comment