ભુજ તાલુકાના સરહદી વિસ્તાર ખાવડાના છેવાડાના ગામ જામ કુનરિયામાં આવેલી સરકારી હાઈસ્કૂલ જામ કુનરિયાનું રિનોવેશન કાર્ય અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર કાર્ય અંતર્ગત સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ હાઈસ્કૂલ લગભગ ૧૦ વર્ષ પહેલાં નિર્માણ પામી હતી, પરંતુ સમય જતાં તેની ઇમારત જર્જરિત થઈ ગઈ હતી. બારી-બારણાં ઉધઈના કારણે તૂટી ગયા હતા, દરવાજા ખરાબ થયા હતા અને શૌચાલયોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળામાં યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળતું ન હતું.
અદાણી ફાઉન્ડેશન દ્વારા કાર્યરત ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત આ શાળાને દત્તક લઈને શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના તમામ કર્યો કરવામાં આવી રહ્યા છે. તેમજ આસપાસના વિસ્તારોમાં ગ્રામોત્થાનની કામગીરી કરવામાં આવી રહી છે. ગામના સામાજિક આગેવાનોએ અદાણી ફાઉન્ડેશનને રજૂઆત કરી હતી કે શાળાના જર્જરિત ભાગોનું નવીનીકરણ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને ભણવા માટે અનુકૂળ વાતાવરણ મળી રહે.
આ રજૂઆતને ધ્યાનમાં લઈને અદાણી ફાઉન્ડેશન દ્વારા શાળાના રૂમોના નવા દરવાજા અને બારીઓ લગાવ્યા, શૌચાલયોનું સંપૂર્ણ નવીનીકરણ કર્યું, આખી શાળાને આકર્ષક કલર અને વોલ પર બાલા પેઇન્ટિંગ કર્યું તેમજ પ્રેરણાદાયી સૂત્રો લખીને શાળાને ખૂબ જ સુંદર અને આધુનિક બનાવી દીધી છે.
આ રિનોવેશનથી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખૂબ જ ખુશ છે. તેઓને હવે વધુ સારું અને પ્રેરણાદાયી વાતાવરણ મળ્યું છે, જે શિક્ષણની ગુણવત્તા વધારવામાં મદદરૂપ થશે. ગામના સામાજિક આગેવાન ઉમર સમા ભુરાજી જામ સહિત અન્ય આગેવાનો તેમજ સમસ્ત ગ્રામજનોએ અદાણી ફાઉન્ડેશનની આ ઉમદા કામગીરી બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો છે.
અદાણી ફાઉન્ડેશન સતત ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, પાણી સંગ્રહ અને ગ્રામ વિકાસના ક્ષેત્રે કાર્યરત છે, અને આવા પ્રોજેક્ટ્સ દ્વારા સમાજના વંચિત વર્ગોને સશક્ત બનાવવાનું કાર્ય કરી રહ્યું છે.






Leave a comment