– એસિડ પી ગયેલા યુવાનના જઠર અન્નનળી અને સ્વરપેટીનું ત્રિસ્તરીય ઓપરેશન કરી બચાવી લેવાયો
અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલમાં એસિડ પી ગયેલા યુવાનના સખત રીતે દાઝેલા જઠરને દૂર કર્યા બાદ બળેલી અન્નનળીને નિષ્ક્રિય કરી મોઢાને આંતરડા સાથે સીધું જોડાણ આપી ત્રિસ્તરીય ઓપરેશન કરવામાં આવ્યું.જનરલ સર્જરી, ENT અને એનેસ્થેટિક વિભાગે કરેલા આ જટિલ ઓપરેશનથી યુવાનને બચાવી લેવાયો અને આજે તે જઠર અને અન્નનળી વિના પણ ખાઈ પી શકે છે.
જી.કે.ના ઓન્કોલોજીસ્ટ અને આસિ.પ્રોફે. ડો.હેત સોની, ચીફ મેડિ.સુપ્રિ.અને કાન,નાક અને ગળાના સિનિ.સર્જન ડો.નરેન્દ્ર હિરાણી તેમજ રાજકોટના ગેસ્ટ્રો સર્જન ડો.રાજન જાગડેએ માનદ સેવા આપતા આ મુશ્કેલ સર્જરી એનેસ્થેટિક વિભાગના સહકારથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
૨૩ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર જલદ એસિડ પી લેવાથી પાચનતંત્રના મુખ્ય અંગ જઠર અને અન્નનળી સંપૂર્ણ બળી ગયા હતા.દાઝેલા બંને અવયવો પૈકી જઠરને દૂર કરાયું.બીજી તરફ અન્નનળી પણ બળી ગઈ હોવાથી તેને નિષ્ક્રિય કરી દેવામાં આવી.
દર્દીને બચાવવા તેને ખોરાક લેતો કરવો જરૂરી હતો.પરંતુ જઠર દૂર કરાયું હતું અને અન્નનળી નિષ્ક્રિય કરી દેવાઈ હોવાથી ખોરાકના પાચન માટે મોટા આંતરડાના વચ્ચેના ભાગને કાપી,એ કાપેલા હિસ્સાને આંતરડાના પ્રવેશદ્વારથી લઈ સીધું મોઢાના પાછળના ભાગ સાથે જોડી દઈ અન્નમાર્ગ તૈયાર કરવામાં આવ્યો.પરિણામે યુવાન પ્રારંભમાં જ્યુસ અને હવે નિરાંતે ખોરાક લઈ શકે છે.
સંભવતઃ કચ્છમાં આ પ્રકારનું જટિલ ઓપરેશન પ્રથમ વાર થયું છે.
દરમિયાન એસિડને કારણે ગળામાં આવેલી સ્વરપેટી પણ દાઝી ગઈ હોવાથી તેને પણ ENT સર્જનને દૂર કરી દીધી અને ગળામાં છેદ કરી શ્વાસ લઈ શકે એ માટે ટ્રેકિયોસ્ટોમી કરવામાં આવી અને એ મુજબ યુવાન સંપૂર્ણપણે ખોરાક અને શ્વાસ લઈ શકે છે.આ સમગ્ર ઓપરેશન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી.આ શસ્ત્રક્રિયામાં ડો.તીર્થ પટેલ,ડો.કિશન મીરાણી અને ડો.કુલદીપ જાદવે સહયોગ આપ્યો હતો.






Leave a comment