એપલ અને ગૂગલ વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને સમજૂતી થઈ છે. જેના હેઠળ હવે એપલના AI ફાઉન્ડેશન મોડલ્સ ગૂગલના જેમિની AI મોડેલ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તૈયાર કરવામાં આવશે. ગૂગલ જેમિની મોડેલ એપલના નવા સિરી (Siri) અને એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સને વધુ સારા બનાવશે.
ગૂગલે X પર પોસ્ટ કરીને આ ભાગીદારીની જાહેરાત કરી છે. ગૂગલે કહ્યું કે આઇફોન, આઇપેડ અને મેકબુકમાં એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સને સુધારવા અને સિરીને વધુ પર્સનલાઇઝ્ડ બનાવવા માટે આ પાર્ટનરશિપ થઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સિરીના નવા વર્ઝનને આ વર્ષે જ લોન્ચ કરવામાં આવશે.
આ પાર્ટનરશિપ પર પ્રતિક્રિયા આપતા ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ગૂગલ પાસે પહેલાથી જ એન્ડ્રોઇડ અને ક્રોમ છે, આવા સંજોગોમાં આ ડીલ તેની શક્તિનો ખોટો ઉપયોગ કરવા જેવું લાગે છે.
મસ્કની કંપની xAI ‘ગ્રોક’ (Grok) નામનો AI ચેટબોટ બનાવે છે, જે સીધી રીતે ગૂગલના જેમિનીને ટક્કર આપે છે. મસ્ક પહેલાથી જ એપલ અને OpenAI વિરુદ્ધ કાનૂની લડાઈ લડી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ કંપનીઓ એપ સ્ટોર પર પ્રતિસ્પર્ધી AI સેવાઓને બ્લોક કરી રહી છે. આ કેસ હાલમાં અદાલતમાં ચાલી રહ્યો છે.
ડીલના સમાચાર આવ્યા પછી સોમવારે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં 1% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. આનાથી કંપનીની માર્કેટ વેલ્યુ 4 ટ્રિલિયન ડોલર (361 લાખ કરોડ રૂપિયા) ને પાર કરી ગઈ છે.
ગૂગલ દુનિયાની બીજી સૌથી વેલ્યુએબલ કંપની બની ગઈ છે. આ પાર્ટનરશિપ હેઠળ ગૂગલના જેમિની મોડલ એપલના ‘પ્રાઇવેટ ક્લાઉડ કમ્પ્યુટિંગ’ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલશે અને આ વર્ષના અંત સુધીમાં નવું સિરી લોન્ચ કરી શકાય છે.
એપલે ગૂગલની ટેકનોલોજીના વખાણ કરતા કહ્યું કે તેમના ઇવેલ્યુએશન પ્રોસેસમાં જેમિની સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. એપલના મતે, ‘એપલ ફાઉન્ડેશન મોડલ્સ’ માટે જેમિની સૌથી સક્ષમ આધાર પૂરો પાડે છે.





Leave a comment