ભારતમાંથી મેચો ખસેડવાની બાંગ્લાદેશની માંગ ICCએ ફગાવી

ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. જો કે અત્યાર સુધી બાંગ્લાદેશ વિવાદનો ઉકેલ આવ્યો નથી. IPL માંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને બહાર કરવાનાં નિર્ણય બાદ BCB એટલે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICC પાસે માંગણી કરી હતી કે, 2026 ટી 20 વર્લ્ડ કપની તેની મેચ ભારતના બદલે શ્રીલંકામાં રમાડવામાં આવે. તેની પાછળ બાંગ્લાદેશે સુરક્ષા કારણોનો હવાલો ટાંક્યો હતો. 

હવે આઇસીસીએ બાંગ્લાદેશના દાવાને ફગાવી દીધો છે કે, ભારતમાં સુરક્ષાનો કોઇ ખતરો છે. જેનાથી સ્પષ્ટ છે કે, આઇસીસી બાંગ્લાદેશની મેચ ભારત બહાર શિફ્ટ કરવા માટે તૈયાર નથી. આઇસીસીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, તેમને કોઈ વાંધાજનક કે ચિંતાજનક બાબત નથી મળી કે જેના કારણે ટીમ પર સુરક્ષાનો ખતરો થઇ શકે. આઇસીસીની તપાસમાં સુરક્ષા ખતરો ખૂબ જ ઓછો (Low to Moderate) હોવાનું સામે આવ્યું છે. આ ખતરો કોઇ પણ મેચના આયોજન માટે સામાન્ય છે. જો કે હાલ આઇસીસીએ કોઇ અધિકારીક નિવેદન આપ્યું નથી. 2026 ના ફેબ્રુઆરી મહિનાથી ટી 20 વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. 

રિપોર્ટ અનુસાર મંગળવારે બીસીબી અને આઈસીસીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ટી20 વર્લ્ડ કપ 2026 અંગે વાતચીત કરી. ટૂર્નામેન્ટ શરૂ થવામાં હવે ખુબ જ ઓછો સમય બાકી છે. જો કે બીસીબી પોતાની જિદ્દ પર યથાવત છે. તે સતત પોતાની મેચો શ્રીલંકામાં આયોજિત કરવા માટે આગ્રહ રાખી રહ્યું છે. બીસીબી તરફથી અધ્યક્ષ મોહમ્મદ અમીનુલ ઇસ્લામ, ઉપાધ્યક્ષ મોહમ્મદ શખાવત હુસૈન અને ફારુક અહેમદ, નિર્દેશ અને ક્રિકેટ સંચાલન સમિતિ ના અધ્યક્ષ નજમુલ આબેદીન અને મુખ્ય કાર્યકારી અધિકારી નિઝામુદ્દીન ચૌધરીએ પોતાના વલણની પૃષ્ટિ કરી હતી. બીસીબીએ એકવાર ફરી પોતાની અપીલ પાછળ સુરક્ષા સંબંધી ચિંતાઓનો હવાલો ટાંક્યો હતો. 

જેના જવાબમાં આઇસીસીએ કહ્યું કે, ટૂર્નામેન્ટનું શેડ્યુલ પહેલા જ જાહેર થઇ ચુક્યું છે. સાથે જ આઇસીસીએ બીસીબીને પોતાના વલણ અંગે પુનર્વિચાર કરવા માટેની અપીલ કરી છે. જો કે બીસીબીની અધિકારીક પ્રેસનોટ અનુસાર બાંગ્લાદેશે પોતાના વલણમાં કોઇ ફેરફાર કરવા માટે તૈયાર નથી. આઇસીસી સાથે વાતચીત ચાલી રહી છે.

Leave a comment

Trending