– અડધાથી વધુ વયસ્ક વસ્તી દાંત અને પેઢાના રોગથી ત્રસ્ત
દાંત પાચનતંત્રનું પ્રથમ પગથિયું છે. મોટાભાગે લોકો દાંતના સડા અંગે જાણે છે, પરંતુ દાંતને મૂળથી જ મજબૂતી આપતા પેઢાના આરોગ્યને નજર અંદાજ કરતા હોય છે. જો દાંત અને પેઢાના આરોગ્ય માટે જાગૃત રહેવાય તો મોઢાનું આરોગ્ય તથા પાચનતંત્ર તો મજબૂત બને છે, સાથે ઘણા રોગ સામે રક્ષણ મેળવી શકાય છે.
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના દંત ચિકિત્સક અને પેરિયોડેન્ટિસ્ટ ડો.તન્વી તિલોકાનીએ કહ્યું કે,દાંતની આસપાસના પેઢામાં વિકૃતિ આવે તો નસમાં દબાણ થવાથી સંક્રમણ થાય છે,જે પેઢા ખરાબ થવાનું પ્રથમ લક્ષણ છે.આવી સ્થિતિમાં પેઢામાં લોહી નીકળે,દુર્ગંધ આવે અને દાંત હલવા લાગે તો સાવચેત બની જઈ તુરંત સારવાર લેવી જોઈએ.
તેમણે કહ્યું કે, સારવારના અભાવે અને દાંતના રોગને હળવાશથી લેવાના કારણે વિશ્વ અને ભારતમાં દાંતના આરોગ્ય વિશે ઓછી સંભાળ લેવાતી હોવાથી એકલા ભારતમાં લગભગ ૫૦ ટકાથી વધુ અને વિશ્વમાં લગભગ ૫૦ ટકા વસ્તી દાંત અને પેઢાના દર્દથી ત્રસ્ત છે.આ રોગને ડાયાબિટીસ અને હૃદય રોગ સાથે પણ નિકટનો સંબંધ હોવાથી તેની ગંભીરતા વધી જાય છે.
જેમ દરેક રોગ માટે જુદા જુદા ડોક્ટર્સ હોય છે તેમ પેઢાની સારવારના ડોક્ટરને પેરિયોડેન્ટિસ્ટ કહે છે.દાંતનું આયુષ્ય વધારવા પેઢાના રોગને અટકાવાય એ જરૂરી છે.પેઢા માટે અનેક આધુનિક સારવાર હોય છે. જેમાં ડીપસ્કેલિંગ,પેઢાની સર્જરી, રીજનરેટીવ સર્જરી વિગેરે છે.
હોસ્પિટલના દંત ચિકિત્સકો ડો.નિયંતા ભાદરકા અને ડો.નિશા મોરડીયાએ જણાવ્યું કે,દાંતના રોગનું નિદાન થાય અને વેળાસર સારવાર ન થાય તો પેઢાના રોગમાં ઝડપથી ફેરવાઈ જાય છે.દાંતને બચાવવા અને સુરક્ષિત રાખવા અનેક સારવાર ઉપલબ્ધ છે,જેમાં રુટકેનાલ થેરાપી ઉપયોગી છે અને દાંતને લાંબો સમય સાચવી શકાય છે.






Leave a comment