દર વર્ષની જેમ આ વખતે પણ 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. જોકે, આ વર્ષે 1 ફેબ્રુઆરીએ રવિવાર છે, તેમ છતાં શેરબજારમાં સામાન્ય દિવસોની જેમ જ કામકાજ થશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ શુક્રવારે એક પરિપત્ર બહાર પાડીને આ માહિતી આપી છે.
એક્સચેન્જ મુજબ, બજેટના દિવસે રોકાણકારો અને ટ્રેડર્સ બજારની પ્રતિક્રિયા જોઈ શકે તે માટે રવિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
BSE અને NSE દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, રવિવાર 1 ફેબ્રુઆરીએ બજારનો સમય એવો જ રહેશે જેવો કાર્યકારી દિવસો (સોમવારથી શુક્રવાર)માં હોય છે. સવારે 9:00 વાગ્યાથી 9:08 વાગ્યા સુધી પ્રી-ઓપન સેશન રહેશે.
ત્યારબાદ સવારે 9:15 વાગ્યાથી નોર્મલ ટ્રેડિંગ શરૂ થશે, જે બપોરે 3:30 વાગ્યા સુધી ચાલશે. ઇક્વિટીની સાથે-સાથે ડેરિવેટિવ્સ (F&O) સેગમેન્ટમાં પણ આ જ સમયે ટ્રેડિંગ થશે.
સામાન્ય રીતે બજેટના દિવસે શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ (વોલેટિલિટી) જોવા મળે છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે બજેટ ભાષણ શરૂ કરશે. નિષ્ણાતોનું કહેવું છે કે બજેટમાં થતી મોટી જાહેરાતો પર રોકાણકારો તરત પ્રતિક્રિયા આપે છે.
જો રવિવારે બજાર બંધ રહ્યું હોત, તો સોમવારે બજાર ખુલતા જ ખૂબ મોટો ગેપ-અપ કે ગેપ-ડાઉન જોવા મળી શક્યો હોત. રવિવારે બજાર ખુલ્લું રહેવાથી રોકાણકારોને પોતાની પોઝિશન મેનેજ કરવાની તક મળશે.
ભારતના સંસદીય ઇતિહાસમાં આ એક દુર્લભ અવસર છે જ્યારે બજેટ રવિવારે રજૂ થઈ રહ્યું છે અને બજાર પણ ખુલ્લું છે. આ પહેલા 2025 અને 2015માં બજેટ શનિવારે રજૂ થયું હતું, ત્યારે પણ બજારોમાં વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ 1999માં તત્કાલીન નાણા મંત્રી યશવંત સિંહાએ બજેટ રજૂ કરવાનો સમય સાંજે 5 વાગ્યાથી બદલીને સવારે 11 વાગ્યે કર્યો હતો, ત્યારથી આ જ પરંપરા ચાલી રહી છે.
એક્સચેન્જે સ્પષ્ટ કર્યું છે કે રવિવારે બજાર ચોક્કસ ખુલશે, પરંતુ કેટલીક સેવાઓ બંધ રહેશે. સર્ક્યુલર મુજબ, 1 ફેબ્રુઆરીના રોજ ‘T+0 સેટલમેન્ટ’ (તે જ દિવસે શેર સેટલ થવા) અને ‘ઓક્શન સેશન’નું આયોજન કરવામાં આવશે નહીં. કારણ કે બેંકોમાં રવિવારની રજા હોઈ શકે છે, તેથી ફંડના સેટલમેન્ટની પ્રક્રિયા આગામી કાર્યકારી દિવસે પૂર્ણ કરવામાં આવશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે પોતાનું સતત 9મું બજેટ રજૂ કરશે. તેઓ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના 10 બજેટ રજૂ કરવાના રેકોર્ડની ખૂબ નજીક પહોંચી જશે. આ વખતના બજેટથી મધ્યમ વર્ગને ટેક્સ સ્લેબમાં ફેરફાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે મોટા ફાળવણીની અપેક્ષાઓ છે.
પહેલા બજેટ ફેબ્રુઆરીના છેલ્લા કાર્યકારી દિવસે આવતું હતું. 2017માં અરુણ જેટલીએ તેને 1 ફેબ્રુઆરી કરી દીધું જેથી નવા નાણાકીય વર્ષ (1 એપ્રિલ) પહેલા યોજનાઓ લાગુ થઈ શકે. આ વખતે 1 ફેબ્રુઆરીએ રવિવાર છે, પરંતુ સરકારે તારીખ બદલી નથી.






Leave a comment