1 એપ્રિલથી ફાસ્ટેગ-UPIથી ચૂકવણી કરવી ફરજિયાત, ટોલ નાકા પર હવે રોકડા નહીં ચાલે

1 એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ થઈ જશે. નવા નિયમો લાગુ થયા પછી વાહનચાલકોને ટોલ ટેક્સ ચૂકવવા માટે ફક્ત ફાસ્ટેગ (FASTag) અથવા UPI પેમેન્ટનો જ ઉપયોગ કરવો પડશે.

આ માહિતી ટીવી ન્યૂઝ ચેનલ આજ તકને આપેલા ઇન્ટરવ્યૂમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે આપી હતી. તેમણે કહ્યું કે ટોલ પર રોકડ (કેશ) વ્યવહારોને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ નાકાઓ પર લાગતી લાંબી કતારોને સમાપ્ત કરવી અને મુસાફરીને અવરોધમુક્ત બનાવવાનો છે. આ ‘નો-સ્ટોપ’ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ હાલમાં દેશના 25 ટોલ પ્લાઝા પર પરીક્ષણ કરવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સત્તાવાર નોટિફિકેશન આવવાનું બાકી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય આ ડિજિટલ પરિવર્તનને લાગુ કરવા માટે અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. વર્તમાનમાં ફાસ્ટેગ ફરજિયાત હોવા છતાં ઘણી જગ્યાએ રોકડ વ્યવહારો થાય છે. ડિજિટલ પેમેન્ટ ન કરતા વાહનોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ રહે છે. રોકડ વ્યવહાર બંધ થવાથી વાહનોને ટોલ બૂથ પર રોકાવું પડશે નહીં.

સરકારના આ નિર્ણયના 3 મોટા કારણો

ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા ઉપરાંત સરકાર આનાથી ત્રણ મુખ્ય લક્ષ્યો પૂરા કરવા માગે છે…

  • ફ્યુઅલની બચત: ટોલ પ્લાઝા પર વાહનોના વારંવાર રોકાવા અને ચાલવાને કારણે ભારે માત્રામાં ડીઝલ અને પેટ્રોલનો બગાડ થાય છે. રોકડ સમાપ્ત થવાથી આ બચત થશે.
  • પારદર્શિતા: દરેક લેણદેણનો ડિજિટલ રેકોર્ડ રહેશે, જેનાથી ટોલ કલેક્શનમાં થતી હેરાફેરી કે ગડબડીની શક્યતા સમાપ્ત થઈ જશે.
  • ઝડપી મુસાફરી: છૂટા પૈસા (ચેન્જ)ના ચક્કરમાં થતી દલીલો અને મેન્યુઅલ રસીદ કાપવામાં લાગતો સમય બચશે.

રોકડ ચુકવણી બંધ કરવી એ દેશમાં ‘મલ્ટી-લેન ફ્રી ફ્લો’ (MLFF) સિસ્ટમની દિશામાં પ્રથમ પગલું છે. સરકાર એવી ટેકનોલોજી પર કામ કરી રહી છે, જેમાં હાઈવે પર કોઈ ભૌતિક બેરિયર (નાકા) નહીં હોય. વાહનો હાઈવેની ઝડપે ચાલતા રહેશે અને કેમેરા અને સેન્સર્સની મદદથી ટોલ આપમેળે કપાઈ જશે.

નવો નિયમ લાગુ થાય તે પહેલાં વાહન ચાલકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના ફાસ્ટેગ એકાઉન્ટને સક્રિય રાખે. જો તમે ફાસ્ટેગનો ઉપયોગ કરતા નથી, તો ખાતરી કરો કે તમારા સ્માર્ટફોનમાં UPI પેમેન્ટની સુવિધા ચાલુ હોય.

1 એપ્રિલ પછી ડિજિટલ પેમેન્ટ વિના ટોલ પ્લાઝા પર પહોંચવા પર તમને દંડ પણ ભરવો પડી શકે છે અથવા પાછા મોકલી શકાય છે. જોકે, નવા નિયમોની વિગતો આવવાની બાકી છે.

1 ફેબ્રુઆરી 2026થી નવી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે હવે KYV (નો યોર વ્હીકલ) પ્રક્રિયાની જરૂર રહેશે નહીં. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ નવી કાર માટે KYV પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

Leave a comment

Trending