ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના બજેટ સત્રની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા બાદ આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં આવી છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ 2026-27નું અંદાજ પત્ર રજૂ કરશે.
આગામી 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થશે, જે 25 માર્ચ સુધી ચાલશે. આ સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી કરવામાં આવશે. સત્ર દરમિયાન વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે. આગામી બજેટમાં મહત્ત્વના કાયદાકીય ફેરફારો થવાની પણ શક્યતાઓ છે.
• કુલ સમયગાળો: 16 ફેબ્રુઆરી થી 25 માર્ચ
• કામકાજના દિવસો: 23 દિવસ
• સામાન્ય બજેટ: 17 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે
• કુલ બેઠકો: 26 બેઠકોનું આયોજન
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. અંદાજવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરશે. નાણાં વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વર્તમાન બજેટના ખર્ચ અને નવી બાબતો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ પર આ વખતે વધુ ભાર મૂકવામાં આવે તેવી આશા છે. ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં શરૂ થનારા આ સત્ર પર હવે સમગ્ર રાજ્યની જનતાની મીટ મંડાયેલી છે.





Leave a comment