પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ

ઉત્તર પ્રદેશના  પ્રયાગરાજમાં બુધવારે વાયુસેનાનું એક તાલીમી વિમાન કે.પી. કોલેજની પાછળ આવેલા તળાવમાં ક્રેશ થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ તેમજ જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન જ્યારે હવામાં હતું ત્યારે સામાન્ય જણાતું હતું, પરંતુ અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે તેજીથી નીચે આવીને તળાવમાં ખાબક્યું હતું. વિમાન પડવાનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના રહેણાંક વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. સેંકડો સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને બચાવ કામગીરીની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વહીવટીતંત્રે હાલ આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને રાહત કામગીરી ચાલુ હોવાથી આસપાસની સુરક્ષા વધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. વાયુસેનાના જણાવ્યા મુજબ, આ વિમાન રૂટિન ટ્રેનિંગ પર હતું. વિમાનમાં બે પાયલોટ સવાર હતા, જેઓ અકસ્માત સમયે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. બંને પાયલોટને કોઈ ગંભીર ઈજા થઈ નથી. 

ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને વાયુસેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટીતંત્રે તળાવની આસપાસ બેરિકેડિંગ કરીને સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ લીધો છે. હાલમાં ક્રેન દ્વારા વિમાનને તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે જેથી અકસ્માતનું સચોટ કારણ જાણી શકાય. વાયુસેના અને વહીવટીતંત્રની સંયુક્ત ટીમ ટેકનિકલ ખામી કે સંતુલન બગડવા જેવા પાસાઓની તપાસ કરી રહી છે.

ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ મીડિયાને જણાવ્યું કે, અમે સૌ કેમ્પસમાં હતા અને અચાનક મોટા ધડાકાનો અવાજ સંભળાયો. જે બાદ અમે ત્યાં પહોંચ્યા તો પાયલોટ પાણી તળાવમાં ફસાયા હતા. અમે લોકો તળાવમાં કૂદ્યા અને તેમને બહાર કાઢ્યા.

એકનાથ શિંદેની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાવચ્ચે ગઠબંધન થવાની શક્યતા 

મહારાષ્ટ્રના કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોઈપણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સત્તાનું સમીકરણ રસપ્રદ બન્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં એકનાથ શિંદેની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) વચ્ચે ગઠબંધન થવાની પૂરી શક્યતા છે. જો આ જોડાણ સફળ થશે, તો ભાજપ અને ઉદ્ધવ ઠાકરે જૂથ સત્તાથી દૂર રહી જશે અને શિંદે સેના MNSના ટેકાથી પોતાનો મેયર બનાવી શકશે.

આ અટકળોને બુધવારે ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે એકનાથ શિંદે જૂથના 53 અને MNSના 5 કોર્પોરેટરો ગ્રુપ રજીસ્ટ્રેશન માટે એકસાથે કોંકણ ડિવિઝનલ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સાંસદ શ્રીકાંત શિંદે અને MNS નેતા રાજુ પાટીલની મુલાકાતની તસવીરો પણ વાઇરલ થઈ હતી. આ પ્રસંગે શ્રીકાંત શિંદેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે પણ પક્ષ વિકાસ માટે સાથે આવશે તેને અમે આવકારીશું. 

કલ્યાણ ડોમ્બિવલીમાં મેયર બનાવવા માટે કુલ 62 કોર્પોરેટરોનું સમર્થન જરૂરી છે. હાલમાં શિંદે સેના પાસે 53 કોર્પોરેટરો છે, જ્યારે ભાજપ પાસે 50 છે. MNS પાસે પોતાના 5 અને ઠાકરે જૂથમાંથી પરત ફરેલા 2 મળીને કુલ 7 કોર્પોરેટર છે. આ ઉપરાંત શિંદે જૂથ ઠાકરે જૂથના વધુ બે કોર્પોરેટરને પણ પોતાની સાથે લાવવા પ્રયત્ન કરી રહ્યું છે. આમ, શિંદે સેના અને MNS ભેગા મળીને બહુમતીનો આંકડો વટાવી શકે તેમ છે. જોકે, હજુ સુધી આ ગઠબંધન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Leave a comment

Trending