જી. કે. જન હોસ્પિ.માં છેલ્લા ૩ મહિનામાં ૩૦ થી વધુ કરોડરજ્જુની શસ્ત્રક્રિયા કરાઈ

જેમ જેમ તાપમાન ઘટે છે, તે સાથે હોસ્પિટલના હાડકાં વિભાગમાં એવા દર્દીઓની સંખ્યા વધે છે જેમને અચાનક કમર જકડાઈ જવી અથવા જૂનો દુખાવો ઉથલો મારવાની ફરિયાદ હોય. જેને  “વિન્ટર બેક” (Winter Back) કહે છે. ઠંડુ વાતાવરણ માનવ શરીર ઉપર અને ખાસ કરીને કરોડરજ્જુને  અસર કરે છે. ઠંડી સીધી રીતે ગાદી (Disc) ખસવાનું કારણ નથી બનતી, પરંતુ તે સ્નાયુઓને શિથિલ કરીને ઇજા થવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.આમ જી.કે.માં છેલ્લા ૩ મહિનામાં ૩૦થી વધુ કરોડરજ્જુની જુદી જુદી શસ્ત્રક્રિયા કરવામાં આવી છે.તો બીજી તરફ ઠંડીને કારણે નવા અને જૂના ૮૦ થી ૧૦૦ દર્દીઓ સારવાર લેવા આવે છે.

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના સ્પાઇન સર્જન ડો.ઋષિ સોલંકીએ કહ્યું કે શિયાળામાં જ્યારે  ઠંડી લાગે છે, ત્યારે માનવ શરીર ગરમી બચાવવા માટે રક્તવાહિનીઓને સાંકડી કરે છે,જેથી કરોડરજ્જુની આસપાસના સ્નાયુઓ અને સ્નાયુબંધમાં લોહીનો પ્રવાહ ઘટે છે, જેનાથી તે ઓછા લવચીક બને છે અને જકડાઈ જાય છે. પરિણામે, સામાન્ય હલનચલન વખતે પણ સ્નાયુ ખેંચાઈ જવાનું જોખમ વધી જાય છે.

આ સ્થિતિ બચવા સ્નાયુને લચીલા બનાવવા ઠંડીમાં બહાર જતાં પહેલાં વોર્મ અપ કરવું જોઈએ.૫ મિનિટ હળવું સ્ટ્રેચિંગ કરવા  ઊભા રહીને ધીમેથી કમર વાળવી અથવા ઘૂંટણને છાતી સુધી લાવવા જેવી હલનચલન કરવાથી લોહીનું પરિભ્રમણ વધશે.

કરોડરજ્જુનો નીચેનો ભાગ (Lumbar Spine) તાપમાનના ઘટાડા પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોવાથી કપડાં હંમેશા લેયરમાં (થરમાં) પહેરો. અંદરનું કપડું (Base layer) પેન્ટ કે પાયજામામાં અંદર દબાવીને રાખો, જેથી કમરનો નીચેનો ભાગ ઠંડા પવનના સીધા સંપર્કમાં ન આવે. જો કમર ગરમ રહેશે તો સ્નાયુઓ જકડાઈ જશે નહીં.

શિયાળામાં ભારે વસ્તુઓ ઉચકતી વખતે કે કામ કરતી વખતે ‘ડેડલી ટ્રિયો’ (વજન, વળવું અને પુનરાવર્તન) થી બચવું જોઈએ. વજન ઉચકતી વખતે  કમરથી વળવાને બદલે હંમેશા ઘૂંટણ અને થાપાથી વાળો. વસ્તુને તમારા શરીરની શક્ય એટલી નજીક રાખો. વસ્તુ તમારા શરીરથી જેટલી દૂર હશે, તમારા મણકા (L4-L5 ડિસ્ક) પર તેટલું જ વધુ દબાણ આવશે.

હાઇડ્રેશન અને વિટામિન-D : શિયાળામાં તરસ ઓછી લાગે છે, પણ  કરોડરજ્જુની ગાદીઓ (Discs) મોટાભાગે પાણીની બનેલી હોય છે. શરીરમાં પાણી ઘટવાથી આ ગાદીઓ તેની આંચકા સહન કરવાની ક્ષમતા ગુમાવે છે. આ ઉપરાંત, સૂર્યપ્રકાશ ઓછો મળવાથી વિટામિન-D ઘટે છે, જે સ્નાયુઓના દુખાવાનું કારણ બને છે. પૂરતું પાણી પીવું અને ડૉક્ટરની સલાહ મુજબ વિટામિન-D ના સપ્લીમેન્ટ્સ લેવી જરૂરી

સ્પાઇન સ્પેશિયાલિસ્ટને ક્યારે મળવું?

દરેક દુખાવો સામાન્ય હોતો નથી.જો સાયટિકા હોય અને કમરનો દુખાવો જે પગના નીચેના ભાગ સુધી જાય,  પગ કે ગુપ્તાંગના ભાગમાં ખાલી ચડવી અથવા સંવેદના ઓછી થવી.પગની આંગળીઓ ઊંચકવામાં તકલીફ પડવી અથવા ચાલતી વખતે પગ લથડવો.જો આવા લક્ષણો અનુભવાય તો સ્પાઈન સર્જનની સલાહ અચૂક લેવી જરૂરી બને છે. શિયાળામાં  સક્રિય બની સમજી-વિચારીને હલનચલન કરવું.

Leave a comment

Trending