– ઝેરની અસર હૃદય,કીડની અને ફેફસાં સુધી થતા બેભાન યુવાનના હાથ,પગ,હોઠ જીભ નીલા પડી ગયા
અદાણી સંચાલિત GAIMS જી કે જનરલ હોસ્પિટલમાં કોઈ કારણસર નાઇટ્રોબેન્ઝીન નામક ઝેરી ખાતરનું પ્રવાહી પી જવાને કારણે હૃદય, ફેફસાં અને કિડનીને અસર થવાની સાથે બેભાન થઈ ગયેલા યુવાનને મેડિસિન,નેફ્રોલોજીસ્ટ વિભાગન સંયુક્ત પ્રયાસથી તેમજ વેન્ટિલેટરની સઘન સારવારના અંતે બચાવી લેવાયો હતો.
હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ. દેવિકા ભટના જણાવ્યા મુજબ જ્યારે ૩૦ વર્ષીય યુવાનને અત્રે ઈમરજન્સીમાં સારવાર માટે લાવવામાં આવ્યો, તેના પાંચ કલાક પહેલા નાઇટ્રોબેન્ઝિન ખાતર પી લીધું હતું.પરિણામે ઝેરના દુષ્પ્રભાવથી તેના હાથ,પગ,હોઠ,જીભ નીલા પડી ગયા હતા.સાથે ઓક્સિજનનું સ્તર માત્ર ૬૦ જ હોવાથી પ્રથમ પ્રાથમિક સારવારના ભાગરૂપે વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યો.
સિનિ.રેસિ.ડો.બ્રિજેશ બ્રહ્મભટ્ટે ઉમેર્યું કે, દર્દીને ઝેરની અસર વધુ વ્યાપક બને એ પહેલા આ જીવલેણ પોઇઝનને શરીરમાંથી નિકાલ કરવાના મહત્વના કાર્યના ભાગરૂપે ઝેરના પ્રતિકાર માટે સંપૂર્ણ સાવચેતી સાથે મિથિલિનબ્લ્યુ આપવામાં આવ્યું.દરમિયાન ખાતરની બીજી વધુ ગંભીર અસર કીડની ઉપર પણ થઈ હોવાથી હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ ડો.હર્ષલ વોરાના માર્ગદર્શન હેઠળ સવેળા ડાયાલિસિસ પણ કરાયું.આ સારવારથી દર્દીમાં સુધારો નોંધાતા તબીબોએ દર્દીને સંપૂર્ણ સારવાર માટે પગલાં લેવાનું શરૂ કર્યું.
શરીરમાં ઓક્સિજન પ્રમાણસર કરવા દર્દીને MICUમાં દાખલ કર્યા પછી વોર્ડમાં શિફટ કર્યો અને છેવટે યુવાન સાજો થતા તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો.આ સારવારમાં ડો.વિજય,ડો.જયકૃષ્ણ અને ડો.પ્રિયમ પટેલ સહિત તમામ સ્ટાફે સહયોગ આપતા દર્દીને જલ્દી રાહત મળી.
ઝેરી ખાતરનો ઉપયોગ ખેડૂતોએ સાવચેતીથી કરવો અને બાળકોની પહોંચથી તો દૂર જ રાખવા:
નાઇટ્રોબેન્ઝિન ખાતરનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવે છે. જો આ ખાતર પેટમાં જાય તો શરીરમાં પ્રાણવાયુની વહનશક્તિને ગંભીર ખતરામાં મૂકી દે છે.માટે ધરતીપુત્રોએ તેનો ઉપયોગ સાવચેતીથી કરવો હિતાવહ છે, એવી સલાહ તબીબોએ આપી છે.તેમાંય આ ઝેરી ખાતર બાળકની પહોંચથી તો દૂર રાખવા ખબ જરૂરી છે. ખેડૂતોએ પણ તેનો ઉપયોગ માસ્ક કે રક્ષણાત્મક સાધનો પહેરીને કરવો:





Leave a comment