SOG પોલીસે રેડ કરતા નકલી PSIનો ભાંડો ફૂટયો

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોમાંથી નકલી PSI મોબીન સોદાગરે નકલી સોનું કસ્ટમવિભાગમાંથી છોડાવી આપવાના નામે યુવક પાસેથી 14 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મોબીન સોદાગરે પોતાનું નામ સમીર પઠાણ હોવાનું કહીને ખોટી ઓળખ આપી હતી. આ સાથે જ તે SIT ગાંધીનગરમાં ફરજ બજાવતો હોવાનું કહીને 14 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ મામલે જે પી રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી શબ્બીરહુશેન ઇકબાલભાઈ તયડીવાલા (રહે. સાહેબ કોટવાલનો ખાંચો, મદનઝાપા રોડ, ન્યાય મંદીર વિસ્તાર, વડોદરા) એ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સમીર પઠાણ નામનો એક શખ્સ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરના ડ્રેસમાં તેમને મળ્યો હતો. સમીર પઠાણે પોતાને SIT ગાંધીનગરમાં ફરજ બજાવતો હોવાનું જણાવીને વિશ્વાસ કેળવ્યો હતો.

આરોપી સમીર પઠાણે ફરિયાદીને કસ્ટમ વિભાગમાં જમા પડેલા સોનાને કાયદેસર રીતે છોડાવી આપવાનું વચન આપ્યું હતું. આ લોભમાં ફરિયાદી પાસેથી આરોપીએ રોકડા 14 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા તો તેનો સંપર્ક થઈ શક્યો નહીં. ત્યારબાદ ગત તા. 20 જાન્યુઆરી 2026ના રોજ ફરિયાદીને ખબર પડી કે, સમીર પઠાણ નામના આ શખ્સનું સાચું નામ મોબીન સોદાગર છે અને તે નકલી PSI તરીકે પકડાયો છે. જેથી તેઓએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં મોબીન સોદાગર સામે ફરિયાદ નોંધાવી છે.

આ પહેલા 20 જાન્યુઆરીના રોજ SOG પોલીસે બાતમીના આધારે વડોદરાના વાસણા-તાંદલજા રોડ પર આવેલા ઝમઝમ ટાવરની પાછળ અલકબીર બંગલા નંબર-3માં રેડ કરી હતી. આ સમયે ઘરનો દરવાજો આરોપીની પત્નીએ ખોલ્યો હતો. પોલીસે આરોપી વિશે પુછતા તે ઘરમાં હોવાની વાત કરી હતી. જેથી પોલીસ તેના ઘરમાં પ્રવેશી હતી અને રેડ દરમિયાન મોબીન ઇકબાલભાઇ સોદાગર (ઉંમર.38, રહે. બંગ્લો નં. 3, અલકબીર બંગ્લોઝ, ઝમઝમ ટાવરની પાછળ, વાસણા-તાંદલજા રોડ, વડોદરા) મળી આવ્યો હતો. તેના બંગલાના કમ્પાઉન્ડમાં નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા ગાડી તથા બહાર નંબર પ્લેટ વગરની અર્ટીગા ગાડી પાર્ક કરેલી મળી આવી હતી. પોલીસે બંને કારમાં તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને કારમાંથી પોલીસના નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને સિક્કા સહિતનું મુદ્દામાલ મળી આવ્યો હતો.

આરોપીએ પોતાને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે રજૂ કરીને રોડ પર તથા જમીન લે-વેચના ધંધામાં દમ મારીને વ્યવહારોમાં મોટા તોડ કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેણે પોતાની ગાડીઓમાં પોલીસનો ખાખી ડ્રેસ લટકાવી રાખ્યો હતો અને પોતાના નામ-ફોટાવાળા ડુપ્લીકેટ પી.એસ.આઈ. આઈકાર્ડનો ઉપયોગ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરીને નકલી પીએસઆઇને ઝડપી પાડ્યો હતો.

પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ

  • પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો યુનિફોર્મ અને પી.એસ.આઈ.ના 2 આઈકાર્ડ, એરગન
  • વિવિધ વ્યક્તિઓના નામના 22 આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ, ડીસીબીએલટી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહનોની આર.સી. બુક
  • 22 સરકારી, અર્ધ-સરકારી તથા ખાનગી કચેરીઓના ગોળ સિક્કા અને હોદ્દાના સિક્કા
  • SIT ગાંધીનગરીના SP સહિતના સિક્કા
  • આવકના 3 પ્રમાણપત્ર
  • 1 લેપટોપ
  • 3 મોબાઇલ ફોન
  • 1000 રૂપિયા રોકડા
  • બે ફોર-વ્હીલર વાહન (કુલ કિંમત રૂ. 26,42,000)

આરોપીએ રાજ્ય સેવક ન હોવા છતાં પોલીસ અધિકારી તરીકેના ખોટા દસ્તાવેજો બનાવીને ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હોવાથી જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે. તેણે પીએસઆઇ ની ખોટી ઓળખ આપીને કોની કોની સાથે ઠગાઈ કરી તે પણ બહાર આવશે.

Leave a comment

Trending