સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં 22 જાન્યુઆરીની રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધુત થઈને પોતાની કાર વડે બે બાઇકસવારને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે રોષે ભરાયેલા લોકોએ હિરેન પટેલને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. આ સાથે રોષે ભરાયેલા લોકોએ કહ્યું હતું કે આને તો મોટોકોટો (ઝેરી દવા) પીવડાવી દેવી જોઈએ.
ઘટનાની જાણ થતાં જ ઉત્રાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં હિરેન પટેલની અટકાયત કરી હતી. આરોપી નશામાં છે કે નહીં એની પુષ્ટિ કરવા માટે તેનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું, જેમાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઉત્રાણ પોલીસે હિરેન પટેલ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, ગત મોડીરાતે મોટા વરાછામાં આવેલા ‘દુઃખિયાના દરબાર’ પાસે હિરેન પટેલ પોતાની કાર (GJ-11-CQ-6007) લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની ઝડપ એટલી વધારે હતી કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પર જઈ રહેલા બે બાઇકસવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઇક તો કારની નીચે ફસાઈને લાંબે સુધી ઢસડાઈ હતી.
અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ જ્યારે કારચાલક હિરેન પટેલને બહાર કાઢ્યો ત્યારે તે નશામાં ધુત હોવાનું જણાયું હતું. ફક્ત એટલું જ નહીં, કારની તપાસ કરતાં અંદરથી દારૂની નાની બોટલ પણ મળી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક સેલિબ્રિટી દ્વારા આ પ્રકારે નશાની હાલતમાં ગાડી ચલાવતા જોઈ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલા બંને બાઇકસવારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, અકસ્માત બાદ એકઠા થયેલા ટોળાએ હિરેન પટેલને બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભીડમાંથી હિરેન પટેલને છોડાવી તેની અટકાયત કરી છે. હાલમાં પોલીસ દ્વારા દારૂ પીવા અંગે અને અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






Leave a comment