પરિવાર વિરૂદ્ધ જઈને અન્ય ધર્મના યુવકના પ્રેમમાં પાગલ યુવતીને અંતે પોતાનું જીવન ટૂંકાવવાની નોબત આવી છે. બે વર્ષ સુધી મોહંમદ આબિદ નામના યુવક સાથે રહ્યા બાદ પૂજા નામની યુવતીને જાણ થઈ કે તે પરિણીત હતો. પરિવારજનોએ યુવતીને પરત લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે યુવકના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવતીએ પોતાના ભાડાના મકાનમાં પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધો છે. યુવતીએ પહેલા હાથમાં બ્લેડ મારી હતી અને બાદમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી સિંધુદેવી કુશ્વાહે વટવા પોલીસ સ્ટેશનમાં મોહંમદ આબિદ નામના યુવક વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. સિંધુદેવી 30 વર્ષથી વટવામાં પતિ અને સંતાનો સાથે રહે છે અને સિલાઈનું કામ કરીને જીવન ચલાવે છે. સિંધુદેવીની પુત્રી પૂજાને વટવાના સૈયદવાડી પાસે રહેતા મોહંમદ આબિદ મોહમદયામીન શેખ સાથે પ્રેમસંબંધ હતો. બે વર્ષ પહેલાં મોહંમદ આબિદ શેખ સાથે પૂજા લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા માટે જતી રહી હતી.
દોઢેક વર્ષ બાદ સિંધુદેવીના પુત્રના લગ્ન હતા, જેમાં પૂજા આવી હતી, ત્યારે ઘરના તમામ સભ્યોએ સમજાવી હતી કે તું ઘરે પાછી આવીજા, અમે સારી જગ્યાએ તારા લગ્ન કરાવી આપીશુ, પરંતુ પૂજાએ જણાવ્યુ હતું કે હું મોહંમદ આબિદ સાથે રહું છું અને તેની સાથે જ લગ્ન કરીશ. ત્યાર બાદ પૂજા ગયા વર્ષે છઠ્ઠ પૂજાના તહેવાર પર પોતાના ઘરે રહેવા માટે આવી હતી અને પંદર દિવસ જેટલો સમય રોકાઈ હતી. આ વખતે પણ પૂજાને પરિવારે સમજાવી હતી, પરંતુ તે માની નહીં.
ઉત્તરાયણના દિવસે સાંજના 6 વાગ્યાની આસપાસ પૂજા ઘરે આવી હતી અને કહેવા લાગી હતી કે મોહંમદ આબિદ પરિણીત છે અને તે હવે મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે. આબિદ પૂજાને માર પણ મારતો હતો.
22 જાન્યુઆરીએ સિંધુદેવીના મોબાઈલ પર તેની બીજી દીકરી માધુરીનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું કે પૂજાએ આત્મહત્યા કરી છે. સિંધુદેવી તેના પતિ સહિત પરિવારને લઈને પહોંચી ગયા હતા, જ્યાં પૂજાએ મૃત હાલતમાં પડી હતી. પૂજાની બન્ને આંખોમાંથી લોહી નીકળેલું હતું તેમજ મોઢામાંથી ફીણ નીકળતું હતું. પૂજાના હાથ ઉપર બ્લેડનાં નિશાન પણ પડેલાં હતાં. પૂજાએ આબિદના કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતું. સિંધુદેવીએ આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
માતાની ફરિયાદના આધારે પોલીસે મોહંમદ આબિદની ધરપકડ પણ કરી લીધી છે તેમજ પૂછપરછ કરતાં મોહંમદ આબિદ પૂજાને અનેક વખત માર મારતો હોવાનું સામે આવ્યું હતું. બંને વચ્ચે આવનાર ઝઘડાઓ થતા હોવાથી મોહંમદ આબિદ પૂજાને માર મારતો હતો. યુવતીએ જીવન ટૂંકાવ્યું ત્યારે પણ તેને માર મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેથી પોલીસે આસપાસના લોકોનાં નિવેદન પણ લીધાં છે તેમજ FSL રિપોર્ટ અને મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે ઝોન 6 DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં આત્મહત્યા કરી છે, એેમાં દુષ્પ્રેરણાની સંભાવના હોવાથી પ્રાથમિક એવિડન્સના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોહંમદ આબિદ સામે અગાઉ પણ એક ગુનો નોંધાયેલો છે તેમજ અટકાયત પણ કરવામાં આવી હતી. અન્ય કોઈ પુરાવા મળશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી પોતે સિલાઈનું કામ કરે છે, જેથી તેનો સંપર્ક મૃતકની માતા સાથે થયો હતો. તેમની માતા પણ સિલાઈ મશીનનું કામ કરતાં હતાં, જે બાદ તે લોકો વચ્ચે સંબંધ બંધાયો હતો. ભોગ બનનારી યુવતીએ વારંવાર પરિવારમાં તેના સાથે જ લગ્ન કરવાની જીદ કરી હતી, જેથી આ બાબતે યુવતીના પરિવારમાં વિવાદ થયો હતો. જે બાદ યુવતી ઘરમાંથી જતી રહી હતી અને અલગ રહેવા લાગી હતી તેમજ આબિદ અવારનવાર આવતો હતો. ભોગ બનનાર બહેનના પરિવારજનોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, જે દરમિયાન તે લોકોએ પણ આ હકીકત જણાવી હતી. આરોપી અન્ય કોઈ પ્રકારની તકલીફ આપતો હતો કે કેમ? એની તપાસ પણ કરવામાં આવશે.






Leave a comment