– વીતેલા જાન્યુઆરી માસમાં ૫૦૧ બોટલ લોહી ભેગું કરાયું
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલ દ્વારા સારવાર માટે આવતા જરૂરિયાત મંદ દર્દીઓને આવશ્યક લોહીનો જથ્થો પૂરો પાડવા નિયમિત રીતે જિલ્લામાં સંસ્થાઓના સહકારથી કરાતા કેમ્પના આયોજનના ભાગ રૂપે વીતેલા જાન્યુઆરી માસમાં ૭ કેમ્પ મારફતે ૨૬૫ બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં સંસ્થાઓના સક્રિય સહકાર ઉપરાંત હોસ્પિટલમાં કાર્યરત ઇન હાઉસમાં પણ રોજેરોજ રક્ત દાતાઓ પાસેથી લોહી સ્વીકારવામાં આવે છે,તે મુજબ ગત માસમાં ૨૩૬ યુનિટ લોહી ડોનર્સ દ્વારા આપવામાં આવતા જાન્યુઆરી માસમાં કેમ્પ અને સ્થાનિક દાતાઓના પ્રયાસથી કુલ ૫૦૧ બોટલ લોહી ભેગું કરી શકાયું હતું.
હોસ્પિટલની બ્લડબેંકના હેડ ડૉ.જીગ્નાબેન ઉપાધ્યાયે જણાવ્યું કે,દર્દીને જ્યારે જોઈએ ત્યારે લોહી મળી રહે તે માટે કચ્છના રક્તદાતાઓ આગળ આવ્યા છે અને હજુ પણ રક્તદાતાઓ આ પુણ્ય કાર્યમાં હમેંશા આગળ આવે તે અત્યંત જરૂરી છે. બ્લડબેંક એક એવું સામાજિક નેટવર્ક છે, જેમાં રક્ત આપનાર અને લેનાર બંનેનું ભલું થાય છે,એમ તેમણે ઉમેર્યું હતું.
બ્લડબેંકના કાઉન્સેલર દર્શન રાવલે કચ્છમાં યોજાયેલા ૭ કેમ્પની માહિતી આપતા જણાવ્યું કે, ઝીંકડી યુવા મિત્ર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ, અખિલ કચ્છ રબારી સમાજ સમૂહલગ્ન ભુજ, રાજપૂત સમાજ સમૂહલગ્ન ભુજ, ગાયત્રી પરિવાર કોઠારા, મારુ કંસારા સોની મહિલા મંડળ ભુજ અને ગજોડ યુવા ગ્રુપના કેમ્પનો સમાવેશ થાય છે.






Leave a comment