જી.કે.જન .હોસ્પિ.ના ચીફ મેડી.સુપ્રિ.અને ENT સર્જન એ મોઢાના કેન્સરના પ્રકાર અને જોખમી પરિબળોથી કર્યા લોકોને સજાગ

તંબાકુ, શરાબ અને બજારૂ જંક ફૂડ જેવા ખોરાક આરોગવાને કારણે અને HPV વાયરસને કારણે દેશમાં દર કલાકે  પાંચ જેટલી વ્યક્તિનું મોઢા તેમજ ગળાના કેન્સર ને કારણે મૃત્યુ થાય છે એમ અદાણી સંચાલિત  જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને ENT સર્જન ડો.નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે,જી.કે. માં ENT વિભાગ મારફતે છેલ્લા એક વર્ષમાં લગભગ ૧૦૦ જેટલા ગળા અને મોઢાના કેન્સરની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. આ કેન્સરની એન્ડોસ્કોપી, બાયોપ્સી  અને ઇમેજિંગ પરીક્ષણ (સીટી સ્કેન અને એમ.આર.આઈ)દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે. જો કે શરૂઆતના સ્ટેજમાં પરીક્ષણ થઈ જાય તો રેડિએશન, સર્જરી અને કીમોથેરાપીથી ઈલાજ શક્ય બને છે.

ગળાનું કેન્સર થવાનું મુખ્ય કારણ સિગારેટ, બીડી, ગુટખા સ્વરૂપે તમાકુ અને સોપારીનું સેવન અને  વધુ પડતા શરાબની કુટેવ છે.ઉપરાંત હ્યુમન પૈપિલોમાવાયરસ (HPV) અને જંકફુડ તથા બહારના ખોરાક આરોગયા પછી પણ મોઢાની સંભાળ ન રાખવી તેમજ કેમિકલ યુક્ત ખોરાક એ તેમજ અસ્વસ્થ જીવનશૈલી મુખ્ય રીતે જવાબદાર છે.

લક્ષણો અંગે ડો. હિરાણીએ જણાવ્યું કે, લગાતાર મોઢામાં ખારાશ, અન્નનો કોળિયો ગળવામાં દુખાવા સાથે તકલીફ, ગળા સાથે કાનમાં પણ દર્દ મહેસુસ થાય તેમજ અવાજમાં બદલાવ ને ભારેપણું જણાય ઉપરાંત  ગળામાં ગાંઠ સાથે સૌથી મહત્વનું કારણ વ્યક્તિનું કોઈ કારણ વગર વજન ઘટવા લાગે તેમજ મોઢું ઓછું ખુલે, મોઢામાં જલ્દી ન રૂઝાય તેવું ચાંદુ  વિગેરેમાં તાત્કાલિક તબીબ નો સંપર્ક કરવો કેમકે કેન્સર હોઈ શકે છે.

મોઢાના કેન્સરના છુપા પણ ઘાતક વિકારો અને પ્રકાર:

મોઢામાં આકાર લેતા  કેન્સરના કેટલાક છુપા અને  ઘાતક લક્ષણો પણ હોય છે,જેમાં પ્રથમ  શરીરની કોશિકાઓમાં ઉદ્ભવતા સામાન્ય બદલાવ(પ્રિ મેલીગ્નનટ)ભવિષ્યમાં સંભવત કેન્સરનું રૂપ લઈ શકે છે.આ સિવાય મોઢામાં દુર્લભ પરંતુ ચમકતો ગંભીર ડાઘ(એરિથ્રોપ્લેકિઆ) જે દર્દહિન  હોવાથી લોકો અવગણે છે,  જે કેન્સર પણ હોઈ શકે. ખરાબ ફિટિંગ વાળા દાંત પણ જવાબદાર હોઈ શકે છે.

ત્રીજો પ્રકાર લાળની કમી અને મોઢામાં ત્વચા સખત થઈ જવી(સબ મ્યુકસ ફાઈબ્રોસિસ) અને ચોથું લોહીમાં શ્વેત રક્તકણોની સંખ્યા ઘટવાથી થાય છે(લ્યુ કો પ્લેકિયા).મોટાભાગે આ તમામ વિકારો  તમાકુ અને દારૂને કારણે જોવા મળે છે.પૂર્વ નિદાન તેનો ઉપચાર છે,એમ ડો. હિરાણીએ જણાવ્યું હતું.

Leave a comment

Trending