આજના સમયમાં માત્ર ડિગ્રી જ નહીં પરંતુ નાણાકીય સાક્ષરતા પણ એટલી જ અનિવાર્ય છે. આ હેતુ સાથે કચ્છ મચ્છોયા આહીર સમાજ સંચાલિત ટીએમએસડી મહિલા કોલેજ ખાતે કોમર્સ વિભાગ દ્વારા ‘સ્ટોકસ્પાર્ક ફોર યંગ માઈન્ડસ’ વિષયક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છના પ્રથમ સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઈઝર ડૉ. ભાવેશ ઠક્કરે વિદ્યાર્થિનીઓને શેરબજારના વ્યવહારુ જ્ઞાનથી માહિતગાર કરી હતી.
તજજ્ઞ ડૉ. ભાવેશ ઠક્કરે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, શેરબજારમાં નિયમિતતા અને અનુભવ આધારિત રોકાણ જ લાંબા ગાળે મોટો ફાયદો કરાવી શકે છે,દેશના અર્થતંત્રને ગતિ આપવા માટે ઈલેક્ટ્રોનિક ઇન્વેસ્ટમેન્ટ અને એસ.આઈ.પી.ની ટેવ પાડવી જરૂરી છે, વિદ્યાર્થિનીઓને ચાર્ટ રીડિંગ, ઈ.ટી.એફ, ફ્યુચર્સ અને ઓપ્શન્સ જેવા આધુનિક વૈશ્વિક બજારના સાધનોની સમજ આપી શેરબજાર માત્ર રોકાણ માટે જ નહીં,
પરંતુ પ્રોફેશનલ કારકિર્દી બનાવવા માટે પણ એક ઉદયમાન ક્ષેત્ર છે તેમ જણાવ્યું હતું. વક્તાએ વિદ્યાર્થિનીઓને એન.એસ.ઈ. પોર્ટલ પર ઉપલબ્ધ “રેડી ટૂ લર્ન” કોર્સિસ વિશે જાણકારી આપી હતી, જેથી તેઓ જાતે જ શીખીને આત્મનિર્ભર બની શકે. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થિનીઓએ શેરબજારને લગતી પોતાની મુંઝવણો દૂર કરી હતી.
કોલેજના આચાર્ય ડૉ. મેહુલ પટેલએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી વિદ્યાર્થિનીઓ ભવિષ્યમાં યોગ્ય નાણાકીય નિર્ણયો લેવા માટે સજ્જ બનશે. કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક પ્રો. પ્રિતી ઠક્કર, પ્રો. રાહુલ વાઘેલા અને પ્રો. પ્રિયા ગુસાઈએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના પ્રમુખ કિરણભાઈ આહીર અને મંત્રી ઘેલાભાઈ આહીરે આ પહેલને બિરદાવી હતી.






Leave a comment