– વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલી
શહેરની સૂર્યા વરસાણી એકેડેમી ખાતે તાજેતરમાં EXPO 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના તમામ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ પી. એસ. હિરાણીએ પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓના અવિરત પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, આવા આયોજનોથી વિદ્યાર્થીઓમાં નવીન વિચારો અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે. તેમણે યુવા પેઢીને આધુનિક ટેકનોલોજી અને સર્જનાત્મકતા સાથે દેશના વિકાસમાં સહભાગી થવા પ્રોત્સાહન આપ્યું હતું.
એક્સ્પોમાં વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, રોબોટિક્સ, સંગીત, કલા તેમજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓને આવરી લેતા પ્રકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. દરેક વર્ગખંડને ખાસ થીમ આધારિત સજાવવામાં આવ્યા હતા,
ખાસ કરીને રોબોટિક્સ અને વિજ્ઞાનના ‘વર્કિંગ મોડલ્સ’ તેમજ સંગીત વિભાગની સર્જનાત્મકતાએ વાલીઓ અને મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમની સફળતા પાછળ શાળાના પ્રિન્સિપાલ વિનીતા રાજપૂતનું માર્ગદર્શન અને સંપૂર્ણ સહયોગ રહ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, EXPO 3.0 દ્વારા વિદ્યાર્થીઓમાં સહકારભાવ અને પ્રાયોગિક જ્ઞાન વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. શિક્ષકોના સતત માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની તનતોડ મહેનતના પરિણામે આ કાર્યક્રમ યાદગાર બન્યો છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ પણ શાળાના આ નવતર પ્રયોગની ભારોભાર પ્રશંસા કરી હતી.






Leave a comment