અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગમાં અનિયંત્રિત રીતે વાળ ખેંચવાની તીવ્ર ઈચ્છા(ટ્રાયકોટિલોમેનિયા) થાય તેવા મનોવિકારથી પીડિત ત્રણ વ્યક્તિઓ એક મહિનાથી સારવાર લઈ રહ્યા છે, એમ મનોચિકિત્સક ડોક્ટર રિધ્ધિ ઠક્કરે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે,ચિંતા તણાવને લઈને મગજના સેરોટોનિન અને ડૉપામીન રસાયણોમાં અસંતુલન થવાને કારણે વાળ ખેંચવાની તીવ્ર ઈચ્છા થાય છે બાદમાં દર્દી વાળ ખેંચે પછી જ તેને રાહત થતી હોય છે,તેથી વાળ ખેંચવાની આવેગપૂર્ણ પ્રક્રિયા દર્દી કરતા રહે છે.વ્યક્તિ પોતાના માથા,પાંપણ,ભમર,દાઢી અને ક્યારેક છાતીના વાળ સામાન્ય રીતે ખેંચતી હોય છે.
જી.કે.જનરલ હોસ્પીટલમાં આવા દર્દીઓનો ઉપચાર થાય છે,જેમાં દર્દીના વિચાર,વર્તન અને વ્યવહારમાં બદલાવ કરવાની થેરાપી ઉપરાંત નિયમિત દવા થકી આ અનિયંત્રિત વિકાર લાંબાગાળાની દવાની સારવારથી દૂર કરવા પ્રયત્નો કરવામાં આવે છે. જો દર્દી નિયમિત થેરાપી અને સારવાર લે તો ઠીક થઈ શકે છે.એમ ડો.નીરવ ચાનપા અને ડો.હર્ષ ગોધાણીએ જણાવ્યું હતું.
ડૉ.ખુશી ગણાત્રા અને ડો. યેશા કલ્યાણીએ કહ્યું કે, મેડિકલ જગતમાં ટ્રાયકોટીલોમેનિયા તરીકે પ્રચલિત આવા વિકારથી ભારતમાં ૩.૫ જેટલી વ્યક્તિઓમાં આ માનસિક અવસ્થા જોવા મળે છે.જેમાં નાની વ્યક્તિથી લઈને મોટી વ્યક્તિ પણ પોતાના વાળ ખેંચતી હોય છે.પુરુષ અને મહિલા બન્નેમાં આ વિકાર જોવા મળે છે.જોકે મહિલા વધુ પીડિત હોય છે.સામાન્ય રીતે આ વિકારના દર્દી ત્વચા નિષ્ણાત પાસે જાય છે,પરંતુ આવા કેસ મનોરોગ સંબધી હોઈ સ્કિન ડોક્ટર મનોચિકિત્સકને રિફર કરતા હોય છે.
વાળ ખેંચવાનો આ વિકાર વ્યક્તિગત રીતે ભાવનાત્મક, અપરાધભાવ અને સામાજિક રીતે વ્યક્તિના જીવનને પ્રભાવિત તો કરે છે, પણ વાળ તૂટવાને કારણે ત્વચામાં સંક્રમણ,વાળ પાતળા થવા તેમજ તાલ સર્જાય છે. વાળ ખેંચવાની આવી તીવ્ર સ્થિતિમાં મનોચિકિત્સકનો સંપર્ક કરવો ખુબજ આવશ્યક છે.]
કેટલાક દર્દીઓ ખેંચેલા વાળને ખાતા હોવાથી પેટમાં ગાંઠ બની શકે:
કેટલાક દર્દીઓ ખેંચેલા વાળને ખાઈ પણ જતા હોવાથી તેના દુષ્પરિણામો સર્જાય છે.પેટમાં વાળ એકત્રિત થઈ ગંભીર પ્રકારની ગાંઠ સર્જાય છે અને દુખાવા રૂપે દર્દીને અનુભવાય છે,ત્યારેજ ખ્યાલ આવે છે કે પેટમાં વાળની ગાંઠ છે. છેવટે ઓપરેશન કરી વાળની ટ્યૂમર દૂર કરાયા પછી જ દર્દીને રાહત મળે છે.






Leave a comment