ભારતીય મૂળના આશા શર્મા માઇક્રોસોફ્ટ ગેમિંગના CEO બન્યા

ભારતીય મૂળના આશા શર્માને માઇક્રોસોફ્ટ ગેમિંગના નવા સીઇઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ લાંબા સમયથી આ પદ સંભાળી રહેલા ફિલ સ્પેન્સરનું સ્થાન લેશે. સ્પેન્સર લગભગ 40 વર્ષ સુધી કંપની સાથે રહ્યા પછી નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓ માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાને રિપોર્ટ કરશે.

આશા શર્મા માઇક્રોસોફ્ટ ગેમિંગની કમાન સંભાળતા પહેલા કંપનીના જ AI પ્લેટફોર્મ અને પ્રોડક્ટ લીડરશીપ ટીમનો ભાગ હતા. આ પહેલા તેઓ જાણીતી ડિલિવરી ફર્મ ‘ઇન્સ્ટાકાર્ટ’માં ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ‘મેટા’માં પ્રોડક્ટ લીડરશીપ જેવા મહત્વના પદો પર રહી ચૂક્યા છે.

આશાએ મિનેસોટા યુનિવર્સિટીના કાર્લસન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસની ડિગ્રી લીધી છે. તેમને બિઝનેસને સ્કેલ કરવા અને મુશ્કેલ સમયમાં ટીમોનું નેતૃત્વ કરવાના નિષ્ણાત માનવામાં આવે છે.

આશાએ પોતાનો પહેલો સત્તાવાર મેમો મોકલ્યો છે, જેમાં તેમણે એક્સબોક્સના ભવિષ્ય અને ગેમિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગને લઈને પોતાનું વિઝન સ્પષ્ટ કર્યું છે.

તેમણે કહ્યું કે આજે હું માઇક્રોસોફ્ટ ગેમિંગના CEO તરીકે મારી નવી જવાબદારી શરૂ કરી રહી છું. હું આ સમયે બે વસ્તુઓ એકસાથે અનુભવી રહી છું: નમ્રતા અને કામ પ્રત્યેની ઝડપ.

નમ્રતા એટલા માટે કારણ કે આ ટીમે દાયકાઓની મહેનતથી કંઈક ખૂબ જ શાનદાર ઊભું કર્યું છે. અને કામમાં ઝડપ એટલા માટે કારણ કે ગેમિંગની દુનિયા ઘણા બદલાવોમાંથી પસાર થઈ રહી છે. મારું પહેલું કામ ખૂબ જ સીધું છે: તે સમજવું કે આ બધું કેવી રીતે કામ કરે છે અને તેને સુરક્ષિત રાખવું.

ગેમિંગ જગતનો મોટો ચહેરો ગણાતા ફિલ સ્પેન્સર અચાનક કંપની છોડી રહ્યા નથી. તેઓ આ વર્ષે ઉનાળા સુધી કંપની સાથે સલાહકાર તરીકે જોડાયેલા રહેશે. સ્પેન્સરના કાર્યકાળમાં જ માઇક્રોસોફ્ટે ‘એક્ટિવિઝન બ્લિઝાર્ડ’ જેવી મોટી કંપનીઓનું અધિગ્રહણ કર્યું હતું.

માત્ર સીઈઓ જ નહીં, માઇક્રોસોફ્ટે આખી લીડરશિપ ટીમમાં ફેરફાર કર્યો છે. મેટ બૂટીને ચીફ કન્ટેન્ટ ઓફિસર બનાવવામાં આવ્યા છે, જે હવે ગેમ સ્ટુડિયો અને નવી ટાઇટલ્સની જવાબદારી સંભાળશે.

સારા બોન્ડે કંપની છોડવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફારોથી સ્પષ્ટ છે કે માઇક્રોસોફ્ટ હવે AI અને ક્લાઉડ ગેમિંગ દ્વારા Xboxની ઓળખ બદલવાની તૈયારીમાં છે. સત્ય નડેલાના નેતૃત્વ હેઠળ માઇક્રોસોફ્ટમાં ભારતીય મૂળના અધિકારીઓનું પ્રભુત્વ વધ્યું છે. જ્યારે આશા શર્માની નિમણૂક એ વાતનો સંકેત છે કે કંપની ગેમિંગને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ AI અને ક્લાઉડ બિઝનેસનું ભવિષ્ય માની રહી છે.

Leave a comment

Trending