બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા. બંને નેતાઓ વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં ઘણી વેપાર સમજૂતીઓ પર મહોર લાગી શકે છે.
આ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યાપારી કરારો (ટ્રેડ ડીલ) ને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે, જેમાં ક્રિટિકલ મિનરલ્સ, રેર અર્થ્સ, ડિફેન્સ, એનર્જી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ છે.
આમાં ટ્રેડ ડીલ સહિત અનેક કરારોને અંતિમ સ્વરૂપ આપવાની સંભાવના છે. લુલા PM મોદીના આમંત્રણ પર ભારત આવ્યા છે. તેઓ 18-22 ફેબ્રુઆરી સુધી ભારતના રાજકીય પ્રવાસે છે. લુલા તેમના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે. મોદી સાથે મુલાકાત કર્યા બાદ 22 ફેબ્રુઆરીએ તેઓ સિઓલ (દક્ષિણ કોરિયા) જવા રવાના થશે.
ભારત-બ્રાઝિલ સંબંધો પર લુલાએ કહ્યું કે બંને દેશો વચ્ચેનો વેપાર માત્ર 15 અબજ ડોલર છે, જેને 30-40 અબજ સુધી વધારવો જોઈએ. તેઓ 260 બ્રાઝિલિયન ઉદ્યોગપતિઓ સાથે આવ્યા છે જેથી અંતરિક્ષ, સંરક્ષણ, ફાર્મા જેવા ક્ષેત્રોમાં ભાગીદારી થઈ શકે.
એરોસ્પેસ કંપની એમ્બ્રેયર ભારતમાં પ્લાન્ટ ખોલશે. બંને દેશો ગ્લોબલ સાઉથના સૌથી મોટા લોકતંત્ર છે અને ઉદાહરણ પૂરું પાડી શકે છે. લુલાએ આ વાત શુક્રવારે ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યુમાં કહી.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડી સિલ્વા વચ્ચે યોજાનારી દ્વિપક્ષીય મુલાકાતમાં ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ્સ પર એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.
આ કરાર બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીનો એક મુખ્ય ભાગ છે, જે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ચીનની નિર્ભરતા ઘટાડવા, ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનને ટેકો આપવા અને વિકાસશીલ દેશોના અવાજને મજબૂત કરવા પર કેન્દ્રિત છે.
આ કરાર બંને દેશોને કાચા માલના નિકાસકારથી આગળ વધીને પ્રોસેસિંગ, વેલ્યુ એડિશન અને રિસાયક્લિંગમાં ભાગીદાર બનાવવા પર ભાર મૂકે છે.
- સંયુક્ત સંશોધન, ખાણકામ, પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ: ક્રિટિકલ મિનરલ્સ (જેમ કે લિથિયમ, નિકલ, કોબાલ્ટ, ગ્રેફાઇટ) અને રેર અર્થ એલિમેન્ટ્સ (REE) પર ધ્યાન કેન્દ્રિત.
- સપ્લાય ચેઇન ડાયવર્સિફિકેશન: ચીન પર નિર્ભરતા ઘટાડવી, ખાસ કરીને EV બેટરી, રિન્યુએબલ એનર્જી અને હાઇ-ટેક ઇન્ડસ્ટ્રી માટે.
- ટેકનોલોજી ટ્રાન્સફર: ભારતની પ્રોસેસિંગ અને રિફાઇનિંગ ક્ષમતા બ્રાઝિલના સંસાધનો સાથે જોડવામાં આવશે.
- રોકાણ અને સંયુક્ત સાહસો: ભારતીય કંપનીઓ (જેમ કે KABIL – ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ) બ્રાઝિલમાં રોકાણ કરી શકે છે, જ્યારે બ્રાઝિલ ભારતીય ટેકનોલોજી અને માર્કેટ એક્સેસ ઇચ્છે છે.
- ગ્રીન ટ્રાન્ઝિશન સપોર્ટ: ક્લીન એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને AI સંબંધિત ટેક્નોલોજી માટે જરૂરી ખનિજોનો સુરક્ષિત પુરવઠો.






Leave a comment