STમાં મુસાફરી કરતા દિવ્યાંગોને ફિઝિકલ પાસ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ

ગુજરાતમાં ST બસમાં મુસાફરી કરતા દિવ્યાંગ મુસાફરોને હવે ફરજિયાત ફિઝિકલ બસ પાસ બતાવવાની ઝંઝટમાંથી છૂટકારો મળ્યો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગોને આપવામાં આવતાં PHID એટલે કે ફિઝિકલ હેન્ડિકેપ આઇડેન્ટિટી કાર્ડ સરકારના ઓનલાઈન પોર્ટલ DG લોકરમાં બતાવવામાં આવશે તોપણ તે માન્ય ગણાશે એવું જાહેર કરવામાં આવ્યું છે.

આ અંગેનો પરિપત્ર પણ રાજ્ય વાહનવ્યવહાર નિગમ દ્વારા ગુજરાતના તમામ એસટી ડિવિઝનના વિભાગીય નિયામકને કરવામાં આવ્યો છે, જેથી આ અંગેની માહિતી કંડક્ટર દ્વારા દિવ્યાંગ મુસાફરોને આપવામાં આવી રહી છે. આ નિર્ણયથી દિવ્યાંગ મુસાફરો ખૂબ જ ખુશ છે, કારણ કે ફિઝિકલ પાસ સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે.

પહેલાં કોઈ વખત પાસ ખોવાઈ ગયો હોય કે ક્યાંય ભુલાઈ ગયો હોય તો મફત મુસાફરી કરવા મળતી ન હતી, જોકે હવે ડીજી લોકરમાં પાસ બતાવવાથી એ સમસ્યા દૂર થઈ ગઈ છે.

રાજકોટ એસટી ડિવિઝનના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર એચ. આર. કટારાએ જણાવ્યું હતું કે રાજકોટ એસટી વિભાગ હેઠળના રાજકોટ, વોલ્વો પ્રીમિયમ, ગોંડલ, જસદણ, મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, ચોટીલા અને લીંબડી ડેપોમાં અવરજવર કરતી એસટી બસોમાં દૈનિક 1770 દિવ્યાંગ મુસાફરો ફ્રી મુસાફરી કરે છે, જેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગ તરીકેનો આજીવન પાસ કાઢી આપવામાં આવે છે.

જેના આધારે તેમને એસટી બસમાં ફ્રી મુસાફરી કરવા મળે છે, જોકે હવે ડીજી લોકરમાં PHID પાસ બતાવવાથી પણ તેઓ મુસાફરી કરી શકશે. ફિઝિકલ પાસ બતાવવાની હવે જરૂર નથી. જે માટે કંડક્ટરો દ્વારા દિવ્યાંગ મુસાફરોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

ડીજી લોકરથી દિવ્યાંગોને ફાયદા

  • હવે દિવ્યાંગોએ ફિઝિકલ બસ પાસ રાખવાની જરૂર નથી.
  • પાસ ખોવાઈ જવાનો કોઈ ડર નહીં.
  • મોબાઇલમાં હંમેશાં સુરક્ષિત.
  • કાગળ વગરની સુવિધા.
  • સરકાર માન્ય ડિજિટલ દસ્તાવેજ

Leave a comment

Trending