જી.કે. જન.હોસ્પિ.ના ઇ.એન.ટી. વિભાગે કર્યું ટ્રેકિયલ સ્ટીનોસિસનું સફળ લેસર ઓપરેશન

સંકોચાયેલી શ્વાસનળી લેસર ઓપરેશન બાદ ખુલ્લી જતાં યુવાનનું જીવન ધબકતું થયું

અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલમાં યુવાનની શ્વાસનળી સંકોચાઈ અને બંધ થઈ જવાને કારણે શ્વાસ લેવામાં થતી ભારે તકલીફ ઉપરાંત બોલવાનું બંધ થઈ જવાના પગલે ઈએનટી વિભાગે લેસર સર્જરી કરી તેની શ્વાસનળી મૂળ સ્થિતિમાં લાવી દેતાં (ટ્રેકીયલ સ્ટીનોસિસ) યુવાનનું જીવન ધબકતું થયું હતું. 

હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. અને ઇએનટી સર્જન ડો.નરેન્દ્ર હિરાણીએ આ ટ્રેકીયલ સ્ટીનોસિસનું સફળ ઓપરેશન કર્યા બાદ જણાવ્યું હતું કે, માંડવી તાલુકાના બિદડા ગામના ૧૭ વર્ષના યુવાન અક્ષય ધોળુને શ્વાસનળીમાં સુજનને કારણે તેની શ્વાસનળી સંકોચાઈ ગઈ હતી. જો કે તેને ખેંચની પણ બીમારી હતી. 

અત્રે જી.કે.માં આવ્યા પહેલા યુવાનને ખેંચની અસર થઈ હતી અને જરૂરથી  વધારે ગોળીઓ ગળી જવાને પગલે તેને ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરી, ICUમાં પણ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ અત્રે  આવતા  જુદા જુદા પરીક્ષણોના અંતે શ્વાસનળી સંકોચાઈ જવાની ગંભીર અસર જણાઈ હતી. શ્વાસ લેવામાં અસહ્ય તકલીફ થવાને કારણે શ્વાસનળીમાં કૃત્રિમ કાણું પાડી ટ્રેકિયોસ્ટોમી કરી શ્વાસ લેતો કરવામાં આવ્યો. 

આ તમામ પ્રક્રિયાને અંતે શ્વાસનળીને અસલ સ્વરૂપમાં લાવવા તેનું લેસર દ્વારા ઓપરેશન કરી સંકોચાઈ ગયેલી શ્વાસ નળી ખોલી નાખવામાં આવી અને ત્યાર પછી ટ્રેકિયોસ્ટોમી દૂર કરાતા હવે તે યુવાન  સડસડાટ બોલી શકે છે અને છૂટથી  શ્વાસ પણ લઈ શકે છે. આ ઓપરેશનમાં આસિ. પ્રોફે.અને ઇએનટી સર્જન ડો. રશ્મિ સોરઠીયા પણ જોડાયા હતા.

તબીબોના જણાવ્યા મુજબ આવું થવાના અનેક કારણો હોય શકે જેમકે શ્વાસનળીની દિવાલમાં સોજો, ચોટ,સર્જરી, શ્વાસનળીની અંદર ઉત્પન્ન થયેલી ટ્યુમરનું સંક્રમણ અથવા તો કેટલાક બાળકમાં જન્મજાત પણ હોઈ શકે છે. જેનું નિદાન  બ્રોન્કોસ્કોપી અને સીટી સ્કેન મારફતે થઈ શકે છે. ઓપરેશન જ આનો  ઉપચાર છે. તેમાંય જો સમયસર ઉપચાર ન મળે તો સ્થિતિ ગંભીર પણ થઈ શકે, માટે શ્વાસ ચડતો હોય અને ગભરામણ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો આવશ્યક છે.

Leave a comment

Trending