અદાણી મેડિકલ કોલેજ ખાતે સતત શિક્ષણ અંતર્ગત આયોજિત રોબોટિક સર્જરી વ્યાખ્યાન માળામાં અમદાવાદના જાણીતા રોબોટિક સર્જને ગણાવ્યા આધુનિક સર્જરીના ફાયદા

આધુનિક રોબોટિક સર્જરી માત્ર મશીનનો ચમત્કાર નથી,પરંતુ તેમાં જ્યારે સર્જનની કુશળતા,નિર્ણયશક્તિ જોડાય ત્યારે  દર્દી માટે આશીર્વાદરૂપ બને છે,એમ અમદાવાદ ખાતેના નિષ્ણાત રોબોટિક સર્જન ડો.મહેશ ડી. પટેલે અદાણી મેડિકલ કોલેજ GAIMS ખાતે યુવા સર્જનોને રોબોટિક સર્જરી વિશે માહિતગાર કરવા આયોજિત એક મહેમાન વ્યાખ્યાનમાળા કાર્યક્રમમાં જણાવ્યું હતું.

મેડિકલ કોલેજના વ્યાખ્યાન કક્ષમાં યોજાયેલા સતત મેડિકલ શિક્ષણ કાર્યક્રમમાં બોલતા તેમણે સર્જનોને ટેકનોલોજી સ્વીકારવાની સાથે મજબૂત ક્લિનિકલ વિચારશક્તિ અને દર્દી કેન્દ્રિત અભિગમ કેળવવા ઉપર ભાર મૂકતા સમજાવ્યું કે, આ રોબોટિક  ટેકનોલોજી પધ્ધતિથી અતિસૂક્ષ્મ અને સંવેદનશીલ સર્જરીઓ વધુ સુરક્ષિત બની છે એમ તેમણે ઉમેર્યું હતું.

રોબોટિક સર્જરીના ફાયદા અને સુરક્ષિતતા વર્ણવતા તેમણે જણાવ્યું કે આ સર્જરી દ્વારા ઓછો રક્તસ્ત્રાવ, ઓછી ચીરફાડ તેમજ ઓછો દુ:ખાવો તથા ઝડપી સજા થવાની સાથે દર્દીના જીવનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર વધારો થાય છે. તેમણે પરંપરાગત ઓપન સર્જરીથી લઈને આધુનિક રોબોટિક સર્જરીની વિકાસ ગાથાથી યુવાન સર્જનોને વાકેફ  કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે,અમદાવાદના રોબોટિક ઓન્કો સર્જન ડો.મહેશ પટેલ અનેક રોબોટિક સર્જરીનો અનુભવ ધરાવે  છે,જેમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ, ફેફસાં તથા થોરેશીક કેન્સરની અતિ જટિલ સર્જરીનો સમાવેશ થાય છે. તેમણે રોબોટિક અપરલોબ બ્રોન્કો પેક્સી, રોબોટિક વિપલ્સ સર્જરી, રોબોટિક લંગમાસ એક્સિસન સહિત સર્જરી પણ કરી છે.

આ વ્યાખ્યાનમાં મેડિકલ વિદ્યાર્થીઓ, સર્જરી રેસિડેન્ટ્સ, ફેકલ્ટી સભ્યો અને આરોગ્ય કર્મીઓએ  ભાગ લીધો હતો. વ્યાખ્યાન બાદ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું,જેમાં વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ્સે રોબોટિક સર્જરી, તાલીમ અને ભવિષ્યની શક્યતાઓ વિશે રસપ્રદ વિગતો મેળવી હતી. પ્રારંભમાં GAIMSના ઓન્કોલોજીસ્ટ ડો.હેત સોનીએ ડો.પટેલનું સ્વાગત કર્યું હતું.

Leave a comment

Trending