નાગપુર ફેક્ટરી બ્લાસ્ટ, 21 ડિરેક્ટરો સામે કેસ, 9ની ધરપકડ

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રાઉલગાંવ ખાતે દારૂગોળો બનાવતી કંપની SBL એનર્જી લિમિટેડમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા વધુ બે લોકો સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને 19 થયો છે. બીજી તરફ, પોલીસે SBL એનર્જી લિમિટેડના નવ ડિરેક્ટરોની ધરપકડ કરી છે. પોલીસે કંપનીના 21 ડિરેક્ટરો અને શેરધારકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

પોલીસે જણાવ્યું કે અન્ય 23 ઘાયલ શ્રમિકોની અહીંની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. નાગપુર જિલ્લાની કટોલ તાલુકાના રાઉલગાંવ ખાતે ખાણકામ અને ઔદ્યોગિક વિસ્ફોટક ઉત્પાદક કંપની SBL એનર્જી લિમિટેડના ડેટોનેટર પેકિંગ યુનિટમાં આ વિસ્ફોટ થયો હતો.

પોલીસે જણાવ્યું કે મૃતદેહો ખરાબ રીતે સળગી ગયા છે અને તેમની ઓળખ કરવા માટે પરિવારના સભ્યોના DNA નમૂના લેવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિસ્ફોટના કારણોની સઘન તપાસ કરવાના આદેશ આપ્યા છે.

આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના વેટલાપલેમ ગામમાં શનિવારે ફટાકડા બનાવતી યુનિટમાં વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે બપોરે લગભગ 2 વાગ્યે બ્લાસ્ટ થયો હતો.

Leave a comment

Trending