મુન્દ્રામાં ગત 9 ફેબ્રુઆરીના બારોઈ રોડ પર રૂદ્રાક્ષ જ્વેલર્સ નામની દુકાનમાં ચાર આરોપીઓએ લૂંટનો પ્રયાસ કર્યો હતો જે બાદ ફાયરિંગ કરી આરોપીઓ ભાગ્યા ત્યારે એમપીના એક આરોપીને સ્થળ પરથી વેપારીઓ દ્વારા ઝડપી લેવાયો હતો
બનાવ બાદ ભુજમાંથી રાજસ્થાનનો શખ્સ પણ પકડાયો હતો. ગુનાને અંજામ આપનાર આરોપીઓ ભાગી જતા પશ્ચિમ કચ્છ એલસીબી, એસઓજીની ટીમે અલગ અલગ 3 રાજ્યોમાં 14 દિવસ રીક્ષા ચાલક તેમજ શાકભાજી વેચનારનો વેશ ધારણ કરી બે મુખ્ય આરોપી અને આશરો આપનાર મળી ત્રણ આરોપીને દબોચી લીધા હતા. જેઓને મુન્દ્રા પોલીસના હવાલે કરાયા હતા. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા છે.
રવિવારે મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ એસ.એમ. રાણા સહિતના પોલીસ અધિકારી, કર્મીઓની હાજરીમાં સમગ્ર ઘટનાનું આરોપીઓ પાસે રીકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. કેવી રીતે રેકી કરી, ક્યાંથી આવ્યા, લૂંટને અંજામ આપીને કેવી રીતે ભાગ્યા તે સહિતની બાબતો જાણવામાં આવી હતી.
બનાવને અંજામ આપીને આરોપીઓ બાઈકથી કેરા થઈ ભુજ પહોંચ્યા અને અલગ અલગ બસોમાં બેસી વતન સુધી ભાગી ગયા હોવાની કબૂલાત અપાઈ હતી. ગુનાને અંજામ આપનાર હજુ એક આરોપી પકડાયો નથી તેમજ તેણે ઉપયોગમાં લીધેલ હથિયાર પણ મળ્યું નથી જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.આરોપીને શહેરમાં ફેરવવામાં આવ્યા ત્યારે લોકો ઉમટી પડ્યા હતા.






Leave a comment