ટ્રમ્પના ટેરિફ પર ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટનો નિર્ણય

અમેરિકાની ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને આદેશ આપ્યો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી ટેરિફના પૈસા કંપનીઓને પરત કરવામાં આવે. ડિસેમ્બર સુધીમાં ટેરિફમાંથી 10.79 લાખ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા અને કુલ રિફંડ 14.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જજ રિચાર્ડ ઇટને પેન્ડિંગ કેસોમાં ટેરિફ હટાવીને ફરીથી કેલકુલેશન કરવાનું કહ્યું.

ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ-1977 હેઠળ ઘણા દેશો પર ટેરિફ લાદ્યા હતા. અમેરિકી કંપનીઓએ કોર્ટમાં તેને પડકાર્યો હતો. 20 ફેબ્રુઆરી 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કરતા કહ્યું કે ટેરિફ નક્કી કરવાનો અધિકાર કોંગ્રેસ પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. ત્યારે રિફંડ પર સ્પષ્ટતા નહોતી. ટેનેસીની એટમસ ફિલ્ટ્રેશનની અરજી પર જજે રિફંડનો આદેશ આપ્યો છે.

ક્લિન્ટને કરી હતી ઇટનની નિમણૂક, ટેરિફ રિફંડના કેસ પણ તેઓ જ સાંભળશે

પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને 1999માં જજ ઇટનની નિમણૂક કરી હતી. ઇટને કહ્યું કે ટેરિફ રિફંડની સુનાવણી તેઓ પોતે જ કરશે, જેથી રિફંડ પ્રક્રિયા ગૂંચવાય નહીં.

ટ્રમ્પ સરકાર પાસે હવે આ 3 વિકલ્પો

1. અપીલ: સરકાર ઉપલી કોર્ટમાં પડકારી શકે છે.

2. સ્ટે: સરકાર હંગામી રોક માંગી શકે છે.

3. વિલંબ: કસ્ટમ્સમાં લિક્વિડેશન (અંતિમ હિસાબ) પછી આયાતકારને દાવો/પડકાર માટે 180 દિવસ મળે છે. આનાથી સરકાર પણ રિફંડ 6 મહિના સુધી ટાળી શકે છે.

સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને ફટકાર લગાવી હતી, કહ્યું- દરેક દેશ સાથે યુદ્ધની સ્થિતિમાં નથી

આ પહેલા 20 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને ફટકાર લગાવતા કહ્યું હતું કે અમેરિકા દુનિયાના દરેક દેશ સાથે યુદ્ધની સ્થિતિમાં નથી. જોકે, આ નિર્ણયને લઈને 3 જજો- જસ્ટિસ સેમ્યુઅલ એલિટો, ક્લેરેન્સ થોમસ અને બ્રેટ કેવનૉએ આ નિર્ણય સાથે અસહમતિ દર્શાવી હતી.

કેવનોએ પોતાની નોંધમાં લખ્યું કે ટેરિફ નીતિ સમજદારીભરી છે કે નહીં, તે અલગ સવાલ છે, પરંતુ તેમના મતે તે કાયદેસર રીતે માન્ય હતી. કેવનોએ પોતાની નોંધમાં ભારત પર રશિયન તેલ ખરીદી બાબતે લગાવવામાં આવેલા ટેરિફનો પણ ઉલ્લેખ કર્યો.

તેમણે લખ્યું કે આ ટેરિફ વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા સંવેદનશીલ મુદ્દાઓ હેઠળ લગાવવામાં આવ્યા હતા.

અમેરિકી સુપ્રીમ કોર્ટમાં કુલ 9 જજ છે. તેમાંથી 6 જજોને રિપબ્લિકન રાષ્ટ્રપતિઓએ નિયુક્ત કર્યા છે, જ્યારે 3 જજોને ડેમોક્રેટિક રાષ્ટ્રપતિઓએ નિયુક્ત કર્યા. ચુકાદાની વિરુદ્ધમાં મત આપનારા ત્રણેય જજોને રિપબ્લિકન રાષ્ટ્રપતિઓએ નિયુક્ત કર્યા હતા. ટ્રમ્પ પણ રિપબ્લિકન પાર્ટીમાંથી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નારાજ થઈને ટ્રમ્પે બીજા જ દિવસે ગ્લોબલ ટેરિફ 10%થી વધારીને 15% કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે એક આદેશ પર હસ્તાક્ષર કરીને દુનિયાભરના દેશો પર નવો ટેરિફ લગાવ્યો હતો. આ 15% ટેરિફ 24 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયો છે.

આ પહેલા તેમણે ટેરિફને ગેરકાયદેસર ગણાવનારા જજોની પણ ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું- મને કોર્ટના કેટલાક જજો પર શરમ આવે છે. તેઓ દેશ માટે કલંક છે, તેમનામાં આપણા દેશ માટે યોગ્ય કામ કરવાની હિંમત નથી.

ટ્રમ્પના ટેરિફ વિવાદના કેન્દ્રમાં એક કાયદો છે, જેનું નામ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) છે. આ કાયદો 1977માં બનાવવામાં આવ્યો હતો.

તેનો હેતુ એ હતો કે જો દેશ પર કોઈ ગંભીર ખતરો જેમ કે યુદ્ધ જેવી સ્થિતિ, વિદેશી દુશ્મનથી મોટો આર્થિક ખતરો અથવા અસાધારણ આંતરરાષ્ટ્રીય સંકટ આવે તો રાષ્ટ્રપતિને કેટલીક ખાસ સત્તાઓ આપી શકાય.

આ સત્તાઓ હેઠળ રાષ્ટ્રપતિ વિદેશી લેણદેણ પર રોક લગાવી શકે છે, તેમને નિયંત્રિત કરી શકે છે અથવા કેટલાક આર્થિક નિર્ણયો તરત જ લાગુ કરી શકે છે. ટ્રમ્પે ટેરિફ લગાવવા માટે IEEPAનો જ સહારો લીધો હતો.

નીચલી અદાલતોએ ટેરિફને ગેરકાનૂની ઠેરવ્યો હતો

આ પહેલાં નીચલી અદાલતો (કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ અને ફેડરલ સર્કિટ કોર્ટ) એ ટેરિફને ગેરકાનૂની ઠેરવ્યા હતા. તેમનું માનવું હતું કે IEEPA ટેરિફ લગાવવાની આટલી વ્યાપક સત્તા આપતું નથી.

સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2025માં મૌખિક દલીલો સાંભળી હતી, જ્યાં જજોએ ટ્રમ્પ વતી રજૂ કરાયેલી દલીલો પર શંકા વ્યક્ત કરી હતી. કોર્ટના 6-3 બહુમતી હોવા છતાં, જજોએ પૂછ્યું હતું કે શું રાષ્ટ્રપતિ કોંગ્રેસની મંજૂરી વિના આટલા મોટા પાયે ટેરિફ લગાવી શકે છે, કારણ કે ટેરિફ કરનું સ્વરૂપ છે અને તે સંસદની જવાબદારી છે.

Leave a comment

Trending