કચ્છમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર લગામ કસવા ભુજ (પશ્ચિમ) ખાણ ખનીજ વિભાગે ફિલ્મી ઢબે અબડાસા તાલુકાના રાયધણજર વિસ્તારમાં માન્ય લીઝની આડમાં ચાલી રહેલા બેન્ટોનાઈટના ગેરકાયદે ખનન પર ત્રાટકીને અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પશ્ચિમ કચ્છ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા ગુપ્ત માહિતીના આધારે વહેલી પરોઢે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓની ટીમે મજૂરનો વેશ ધારણ કરી બાઈક પર સ્થળ પર પહોંચી ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી.
તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી હ્યુન્ડાઈ એક્સકેવેટર મશીન (R 215) તેમજ બે વાહનો નંબર GJ-12 CV 5022 અને GJ-12 BW 5986 જપ્ત કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, નજીકમાં માન્ય લીઝ આવેલી છે તેની બાજુમાં ગેરકાયદે રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તંત્ર દ્વારા હાલમાં ખાડાની ચોકસાઈપૂર્વક માપણી હાથ ધરવામાં આવી છે, જેના આધારે લાખો રૂપિયાનો દંડ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ અધિકારી ડી.એસ.બારીયાના માર્ગદર્શનમાં આ કાર્યવાહીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર અને ખુશાલી ગરવા સહિત માઇન્સ સુપરવાઈઝર આશિષ પટેલ, હર્ષદ પ્રજાપતિ, જય કુંડારીયા અને દર્શન જોશી જોડાયા હતા.






Leave a comment