કચ્છ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પશુધનને ગંભીર રોગોથી સુરક્ષિત કરવાના ઉમદા હેતુ સાથે ‘ખરવા મોવાસા’ (FMD) રસીકરણની ખાસ ઝુંબેશનો સોમવારથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાન હેઠળ સમગ્ર જિલ્લાના અંદાજે 9,85,900 જેટલા ગાય અને ભેંસ વર્ગના પશુઓનું રસીકરણ કરવામાં આવશે. આ ખાસ ઝુંબેશ 1લી માર્ચથી 15મી એપ્રિલ સુધી સતત દોઢ મહિનો ચાલશે.
6 મહિનાથી ઉપરની વયના તમામ ગાય અને ભેંસ વર્ગના પશુઓને આ રસી વિનામૂલ્યે આપવામાં આવશે. પશુપાલકોની સગવડતા માટે સરકારી પશુ દવાખાનાઓ ઉપરાંત ગામે-ગામ ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા માટે 23 પશુ ચિકિત્સા અધિકારીઓ, 45 પશુધન નિરીક્ષકો અને 150 પેરાવેટ્સની ટીમ કાર્યરત કરવામાં આવી છે.
આ અભિયાનમાં સરહદ ડેરીનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. રસીના જથ્થાને સુરક્ષિત રાખવા માટે તાલુકા કક્ષાએ કોલ્ડ ચેઈન જાળવવામાં આવી છે અને કોઈ પણ કટોકટી માટે વધારાનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે.
નાયબ પશુપાલન નિયામક ડૉ. આર. ડી. પટેલ અને મદદનીશ પશુપાલન નિયામક ડૉ. વિજયભાઈ દેસાઈએ જિલ્લાના તમામ પશુપાલકોને અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાના પશુધનને આ રસી અપાવી ખરવા મોવાસા જેવા જીવલેણ રોગ સામે રક્ષણ અપાવે.
જો કોઈ પશુ બીમારી કે અન્ય કારણોસર રસીથી વંચિત રહી જાય, તો તેનો રેકોર્ડ રાખીને પાછળથી અચૂક રસીકરણ કરવામાં આવશે.






Leave a comment