ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ મિનાક્ષીબેન ભટ્ટે 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની પત્ની દીપાબેન દિપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાનો ઘટસ્ફોટ કરતાં શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદ મુજબ, વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ અને વ્યવસાયમાં જાણીજોઈને કરાયેલા આર્થિક નુકસાનને કારણે દિપેશભાઈએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.મૃતકની પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા દિપેશભાઈને માલ સમયસર ન પહોંચાડીને અને તેમની બાજુમાં જ બીજું ગોડાઉન ખોલાવીને આર્થિક પાયમાલ કરવામાં આવ્યા હતા.
આમાં કટારીયા એન્ટરપ્રાઇઝના સંચાલકો અને એસ.આર. વિપુલભાઈની સંડોવણી હોવાનો આક્ષેપ છે.કરણ આહીર નામના શખ્સ પાસે પત્નીના સોનાના દાગીના ગીરવે રાખ્યા હતા. મુદ્દલ કરતા વધુ વ્યાજ ચૂકવ્યા છતાં દાગીના પરત ન આપી જાનથી મારવાની ધમકી અપાઈ હતી.નટુભા સોઢાએ આદિપુરના મકાનના અસલ દસ્તાવેજો રાખી લીધા હતા અને વ્યાજ માટે સતત ત્રાસ આપતા હતા.અન્ય વ્યાજખોરો હિતેશ રાજકોટીયાએ ચેક બાઉન્સ કરાવી જેલમાં નાખવાની ધમકી આપી હતી, જ્યારે પ્રકાશ મોદી લોન કરાવી આપીને અડધી રકમ પોતે રાખી લેતો હતો.
દિપેશભાઈએ આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી અને મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં આ તમામ લોકોના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. પત્નીએ જણાવ્યું કે, અંતિમ વિધિમાં વ્યસ્ત હોવાથી ફરિયાદમાં વિલંબ થયો હતો.તેમણે રૂપેશભાઈ કટારીયા એન્ટરપ્રાઇ, કલ્પેશભાઈ કટારીયા એન્ટરપ્રાઇઝ, અંકિતા મેડમ કટારીયા એન્ટરપ્રાઇઝ, વિપુલભાઈ (એસ.આર.) મુંદરા, કરણ ડાયાલાલ આહીર-વ્યાજખોરકરણના પિતા, આનંદ, નટુભા સોઢા ભચાઉ, કલ્પેશ મુળજી ઠક્કર આદિપુર, દર્શન બળવંત ઠક્કર, ધર્મેન્દ્રસિંહ ભાટી (ધમો), ક્રિપાલસિંહ, રોશની આનંદ ભટ્ટ- ભુજ, ભીખુભાઈ, ચંદ્રસિંહ બાપુ (ઝોનવાળા), મુકેશ મીરાણી ગણેશ એજન્સી, હરેશ મીરાણી ગણેશ એજન્સી, હીતેશ રાજકોટીયો, પ્રકાશભાઈ મોદી આદિપુર (લોન કન્સલ્ટન્ટ) વિરૂધ્ધ પોતાના પતિને મરવા મજબુર કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.
ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી દિપકભાઇના પત્ની દીપાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, આ વ્યાજખોરથી અમારા પરિવારને જોખમ છે “જો હવે મારા પરિવારને કાંઈ પણ નુકસાન થશે તો તેની જવાબદારી આ આરોપીઓની રહેશે.” હાલ આદિપુર પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






Leave a comment