ભુજ તાલુકાના ઇતિહાસ અને ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા પુસ્તકનું રાજ્યમંત્રી દ્વારા વિમોચન

કચ્છ યુનિ.ના ઈતિહાસ વિભાગ અને અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલનું આત્મનિર્ભર ભારત, સામાજિક ન્યાય, જાતિગત સમાનતા અને ખેડૂતોના અધિકારો માટેનું વિઝન વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો.

ઉદ્ઘાટન સત્રમાં વિભાગની વિદ્યાર્થીનીઓ પ્રિયંકાબા જાડેજા અને ધનલક્ષ્મી ગઢવીએ પ્રાર્થના રજુ કરી હતી. ત્યારબાદ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી સેમિનારને ખૂલ્લો મુક્યો હતો. ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. નંદલાલ છાંગાએ સેમિનારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો.

સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી, અમદાવાદનાં પ્રોવોસ્ટ પ્રોફેસર ડો. સુભાષભાઈ બ્રહ્મભટ્ટે વક્તવ્યમાં સરદાર પટેલનું ભારતની આઝાદીમાં યોગદાન જણાવ્યું હતું. ઇતિહાસ વિભાગના અનુસ્નાતક કક્ષાનાં વિદ્યાર્થીઓનાં સંશોધનને આધારે તૈયાર થયેલ સ્થાનિક ઇતિહાસ અને ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા પુસ્તક ભુજ તાલુકાની સાંસ્કૃતિક વિવિધતાનું વિમોચન રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે કરાયું હતું.

અધ્યક્ષ સ્થાનેથી ત્રિકમભાઈ છાંગાએ સરદાર પટેલનું ભારતનાં એકીકરણમાં પ્રદાન જણાવી સરદાર પટેલના કચ્છ રાજ્ય અને મહારાઓ સાથેનાં સંબધોનો ઉલ્લેખ કર્યો હતો. કુલપતિ ડો. મોહન પટેલે અમૂલ ડેરી તેમજ વલ્લભ વિદ્યાનગરનાં વિકાસમાં સરદાર પટેલની ભૂમિકા વિશે છણાવટ કરી હતી.

કુલસચિવ ડો. અનિલ ગોરે સંશોધન માટે યુનિ.ને મળેલ 75 લાખના અનુદાન બદલ કેસીજી અને રાજ્યમંત્રીનો આભાર માન્યો હતો. સંચાલન ઈતિહાસ વિભાગની વિદ્યાર્થીની પ્રિન્સી ગોસ્વામીએ કર્યું હતું.બીજા સત્રમાં સરદાર પટેલ યુનિ.નાં ઈતિહાસ વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ ડો. વસંતભાઈ પટેલે સરદાર પટેલનાં બાળપણની વાતો, વિચારો અને કચ્છયાત્રાની જાણકારી આપી હતી.

બીજા વક્તા ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ ગુજરાત પ્રાંતના મહામંત્રી હસમુખભાઈ જોશીએ સરદાર પટેલનું ભારતીય ચિંતન રજુ કર્યું હતું. ઉદયપુરના પ્રતાપ ગૌરવ કેન્દ્રનાં રીસર્ચ ડાયરેક્ટર ડો. વિવેક ભટનાગરે મેવાડ અને સરદાર પટેલનાં સંબધો, સોમનાથ મંદિર અને સરદારનું યોગદાન વિશે રજૂઆત કરી હતી.

દ્વિતીય અને તૃતીય સત્રનું સંચાલન વિદ્યાર્થીની કુજલ જોશી દ્વારા અને આભારવિધિ અધ્યાપક ધ્રુહી ગોરે કરી હતી. અંતિમ સત્રમાં 170 કરતાં વધારે શોધાર્થીઓએ સંશોધન પેપરો રજુ કર્યા હતાં.રુસાનાં સ્ટેટ નોડલ ઓફિસર ડૉ. યોગેશ યાદવ હાજર રહ્યા હતા. વિભાગના અધ્યાપક ડો. પવનકુમાર ભાનાણી, માંડવી કોલેજના અધ્યાપક વિપુલ મિસ્ત્રીએ વ્યવસ્થા સંભાળી હતી.

Leave a comment

Trending